નાગલપર ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: બે શખ્સો ઝડપાયા

નખત્રાણા તાલુકાના નાગલપરમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીને નખત્રાણા પોલીસે ઝડપી લઈ ચોરી અંગેના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.મળતી માહિતી મુજબ પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ રૂા. 14,35,122નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં આરોપીઓ રમેશ ચમનલાલ રાઠોડ અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા નિહાલ દિનેશભાઈ સોનીને પોલીસે ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે સોનાની ઢાળ અંદાજિત કિં. રૂા. 10,25,325, ચાંદીના નાના-મોટા દાગીના અંદાજે કિં. રૂા. 67,127, કાર કિં. રૂા. 3,00,000,ની મોપેડ કિ. રૂા. 30,000, બે મોબાઈલ કિં. રૂા. 10,000 તથા રોકડા રૂા. 2,660 મળી કુલ રૂા. 14,35,122નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ આરોપીઓ સામે ગુનો નોંધવા સાથે ચોરીના કૃત્યમાં તેમની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તથા અન્ય કઈ-કઈ જગ્યાએ આરોપીઓએ ચોરી સહિતના ગુના આચર્યા છે તે જાણવા સહિતની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.