સસ્તાં સોનાંની લાલચમાં મહારાષ્ટ્રના યુવાને 12.16 લાખ ખોયા

સોશિયલ મીડિયામાં ખોટી આઈડી બનાવી લોકોને છેતરવાના બનતા કિસ્સાઓ વચ્ચે મહારાષ્ટ્રના યુવકને સસ્તા સોનાની લાલચ આપી 12,16,953ની ઠગાઈ કરવાના મામલે ભુજના પાંચ ઈસમ સામે ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દર્જ થઈ હતી. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના કાંદીવલીમાં રહેતા ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદમાં કહેવાયું હતું કે, આરોપી રાજીવ જોશી,નીતીન પટેલએ ફેસબુકમાં ખોટી આઈડી બનાવી સોનાના બિસ્કિટ અંગેની પોસ્ટ અપલોડ કરી ટુકડે-ટેકડે કુલ રૂા. 12.16 લાખની છેતરપીંડી કરી હતી.પોલીસે આપેલી માહિતી મુજબ, આરોપી આફતાબે રાજીવ જોશી નામની ફેસબુક આઈડી પર સોનાના બિસ્કિટ વેચતી પોસ્ટ મૂકી હતી, જે જોઈને લલચાઈ ગયેલા ફરિયાદી આરોપીઓના સંપર્કમાં આવ્યા હતા અને બજાર કરતાં સસ્તા ભાવે સોનું આપવાનું બહાનું આપ્યું હતું. ફરિયાદીએ સસ્તા ભાવે મળતા આવા ચાર બિસ્કિટ મગાવ્યા હતા, જે પેટે ટુકડ-ટુકડે કુલ રૂા. 13,84,953 રકમ ચૂકવી હતી, ત્યારબાદ સોનું ન મળતાં નાણાં પરત મંગાયા હતા. વારંવારની માગણી થતાં આરોપીઓએ જય વ્યાસને 1,68,000 પરત આપ્યા  હતા, પરંતુ બાકી નીકળતા રૂા. 12,16,953 કે સોનું પાછા ન મળતાં અંતે આ મામલે ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે પાંચેય આરોપી સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.