આડેસર ચેકપોસ્ટ પાસે કારમાંથી 2.95 લાખનો દારૂ જપ્ત

રાપરની આડેસર ચેકપોસ્ટ નજીક એક કારમાંથી પોલીસે રૂા. 2,95,315નો શરાબ પકડી પાડયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી જો કે, કારચાલક સાબૂના ગોટાની જેમ સરકી જવામાં સફળ રહ્યો હતો. બામણસર-આડેસર ચેકપોસ્ટ નજીક સવારે 9:49ના અરસામાં પોલીસ વાહન ચેકિંગમાં હતી, દરમ્યાન સાંતલપુર બાજુથી આવતી હેરિયર કારને રોકાવવાની કોશિશ કરાતાં ચાલક કટ પાસેથી યુ-ટર્ન લઈ પરત સાંતલપુર બાજુ નાસવા લાગ્યો હતો. આ કાર આગળ જઈને ડિવાઈડર ઉપર ચડી જતાં આગળ વધી શકી નહોતી, દરમ્યાન પોલીસ ત્યાં દોડીને આવે તે પહેલાં કારનો અજાણ્યો ચાલક કારની ચાવી કાઢીને નાસી જવામાં સફળ રહ્યો હતો. કારનું સ્ટિયરિંગ લોક થઈ જતાં તેને આડેસર પોલીસ મથકે લઈ જવાઈ હતી, જ્યાં તેને ખોલી તપાસ કરતાં દારૂ નીકળી પડયો હતો. આ કાર માંથી બ્લેન્ડર  પ્રાઈડ 750 મિ.લિ.ની 40 બોટલ, કિંગફિશરના 840 બિયરના ટીન, ગ્રીન લેબલ 180 મિ.લિ.ના 472 ક્વાર્ટરિયા, 8 પી.એમ.ના 375 ક્વાર્ટરિયા, મેજિક મૂમેન્ટ ફ્લેવર ઓફ ઈન્ડિયાના 96 ક્વાર્ટરિયા, મેજિક મૂમેન્ટ ઓરેન્જ ફ્લેવરના 48 ક્વાર્ટરિયા, ગ્રીન એપલના 96 ક્વાર્ટરિયા એમ કુલ રૂા. 2,95,315નો શરાબ હસ્તગત કરાયો હતો. આ કારમાં કોણ સવાર હતું ? કોણે દારૂ મગાવ્યો હતો? કોણે મોકલાવ્યો હતો? તે સહિતનું કંઈ જ બહાર આવ્યું નથી, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.