મુંદરા માં ડ્રગ્સકાંડના આરોપીને જામીન નહીં
કચ્છના મુંદરા પોર્ટ ઉપરથી ઝડપાયેલા કરોડોના હેરોઇન ડ્રગ્સ કેસમાં વિશેષ એનઆઈએ કોર્ટે આરોપી નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. આંતરરાષ્ટ્રીય નાર્કો-ટેરર સિન્ડિકેટ સાથે આરોપીની કથિત સાઠગાંઠ, તેની ગુનાહિત પૃષ્ઠભૂમિ અને કેસમાં મોટી સંખ્યામાં સાક્ષીઓની જુબાની બાકી હોવા સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો છે. 13 સપ્ટેમ્બર-2021ના મુંદરા પોર્ટ પર અફઘાનિસ્તાનથી ઈરાન થઈને આવેલા સેમી પ્રોસેસ્ડ ટાલ્ક સ્ટોન્સના કન્ટેનરોમાંથી 2988.21 કિલો હેરોઇનનો જથ્થો પકડાયો હતો. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે રૂા. 21 હજાર કરોડ હોવાનું જણાવાયું હતું. આરોપી 1 જુલાઈ-2021ના પંજાબના હોશિયારપુર ખાતેથી 450 ગ્રામ હેરોઇન અને રૂા. 4.93 લાખની રોકડ સાથે પકડી લેવાયો હતો.આરોપીએ નિર્દોષ હોવાનું જણાવીને કોર્ટ સમક્ષ જામીનની માંગ કરી હતી. એનઆઈએ પક્ષે સ્પેશિયલ સરકારી વકીલ મુકેશ કાપડિયાએ જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો.તેમજ તેમણે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અગાઉના કેસોમાં તેની સામે દોષસિદ્ધિ પણ થઈ ચૂકી છે. સરકારી પક્ષના જણાવ્યા મુજબ, વર્તમાન કેસ આંતરરાષ્ટ્રીય નાર્કો-સિન્ડિકેટ સાથે જોડાયેલા ગંભીર આક્ષેપો ધરાવે છે અને તેમાં આરોપીની ભૂમિકા રાષ્ટ્રીય સુરક્ષા તથા દેશની આર્થિક એકતાને અસર કરી શકે તેવી છે. કોર્ટના અવલોકન મુજબ, આરોપી સામે પ્રથમદર્શનીય કેસ બનતો હોવાના પર્યાપ્ત આધારો છે અને કેસમાં સાક્ષીઓની તપાસ હજુ બાકી છે. આરોપીની ગુનાહિત પૃષ્ઠભૂમિ તથા ગુનાની ગંભીરતાને જોતાં તેને જામીન આપવાથી ટ્રાયલ પર અસર પડવાની આશંકાને પણ અવગણી શકાય નહીં. પ્રથમદર્શનીય મજબૂત કેસ બનતો હોવાથી અને કેસની ગંભીરતાને જોતાં તેને હાલ જામીન પર મુક્ત કરી શકાય નહીં તેમ કોર્ટે નિર્દેશમાં જણાવ્યું હતું.