ગ્રામ્ય સ્તરે મહિલાઓને આર્થિક સ્વાવલંબન, સરકારી યોજનાઓ અને કાયદાકીય અધિકારો અંગે માર્ગદર્શન અપાયું

કચ્છ જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીમતી અવનીબેન રાવલના માર્ગદર્શન હેઠળ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ સેલ અંતર્ગત ભુજ તાલુકાના મમુઆરા, નખત્રાણા તાલુકાના રામપર અને સાયરા, મુન્દ્રા તાલુકાના ગેલડા અને અંજાર તાલુકાના વીડી ગામ ખાતે મહિલા જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમોમાં સખી મંડળ (SHG) સાથે જોડાયેલી બહેનોને મહિલાલક્ષી કાયદાઓ, સરકારી યોજનાઓ, સહાય અને સેવાઓ અંગે જાગૃત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન DHEW ટીમ દ્વારા મહિલાઓને વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન યોજના તથા ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંગે માહિતી આપવામાં આવી હતી. ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલી બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે મહિલા સ્વાવલંબન યોજના હેઠળ અરજી પ્રક્રિયા, લોન, સબસિડી તથા દસ્તાવેજો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

મુશ્કેલીના સમયે મહિલાઓને સહાય અને માર્ગદર્શન મળે તે હેતુથી ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર તથા પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર દ્વારા અપાતી સેવાઓ અને કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા. આ કાર્યક્રમો દ્વારા સખી મંડળની બહેનોને મહિલાલક્ષી યોજનાઓનો લાભ મેળવવા, અધિકારો અંગે જાગૃત થવા તથા આર્થિક સ્વાવલંબન પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમોનું આયોજન DHEW, PBSC તથા OSC ની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું તેમ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, કચ્છ દ્વારા જણાવાયું છે.