કચ્છ મલક ને ST વિભાગની મોટી ભેટ, 38 નવી એક્સપ્રેસ બસોની ફાળવણી – ભુજ, માંડવી, નખત્રાણા અને નલિયાને સૌથી વધુ 6-6 બસ મળી

કચ્છના મુસાફરો માટે ખુશખબર છે. કચ્છના મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે ST વિભાગ દ્વારા 38 નવી એક્સપ્રેસ બસોની ફાળવણી કરવામાં આવી છે.

આ નવી બસોનો ઉપયોગ તાજેતરમાં યોજાયેલા માતાના મઢના મેળા દરમિયાન મુસાફરોના પરિવહન માટે પણ કરવામાં આવ્યો હતો. મેળો પૂર્ણ થયા બાદ આ નવી બસો કચ્છના વિવિધ ડેપોમાં ફાળવવામાં આવી છે, જેથી લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોને વધુ સારી સુવિધા મળી શકે.

નવી બસોની ફાળવણીથી જૂની બસોને બદલવામાં મદદ મળશે અને લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોને વધુ આરામદાયક મુસાફરી મળશે.

ડેપો પ્રમાણે ફાળવેલ બસોની સંખ્યા:

  • ભુજ ડેપો – 6 બસ
  • માંડવી ડેપો – 6 બસ
  • નખત્રાણા ડેપો – 6 બસ
  • નલિયા ડેપો – 6 બસ
  • રાપર ડેપો – 5 બસ
  • મુંદ્રા ડેપો – 4 બસ
  • ભચાઉ ડેપો – 3 બસ
  • અંજાર ડેપો – 2 બસ

ST વિભાગ દ્વારા કુલ 111 નવી બસોની ફાળવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાંથી અત્યાર સુધીમાં 99 બસો મળી ચૂકી છે. જ્યારે બાકીની 12 નવી સ્લીપર બસો આવવાની બાકી છે.

આગામી સમયમાં સ્લીપર બસોની ફાળવણી થતાં કચ્છના મુસાફરોને રાત્રિ મુસાફરીમાં પણ વધુ આરામદાયક સુવિધા મળવાની આશા છે.