ગાંધીધામ ખાતે સ્વદેશી મેળા-શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવતા ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અને ગુજરાત અર્બન લાઇવલીહૂડ મિશન પ્રેરિત ગાંધીધામ મહાનગરપાલિકા અને દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલાના સંયુક્ત ઉપક્રમે ડૉ. બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર, ગાંધીધામ ખાતે આયોજિત સ્વદેશી મેળા – શોપિંગ ફેસ્ટિવલ’ નું ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ ઉદ્ધાટન કર્યું હતું.
આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, તહેવારોના દિવસોમાં કલા કસબી કારીગરોને રોજગારી મળે રહે અને નાગરિકોને શોપિંગનું પ્લેટફોર્મ મળે એવું સુંદર આયોજન ગાંધીધામ મહાનગરપાલિકા અને દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા દ્વારા કરવામાં આવ્યું છે. એક સમય હતો કે ભારતની કલા કસબની બહોળી માંગ યુરોપિયન બજારોમાં હતી. રાજ્યમંત્રીશ્રીએ વોકલ ફોર લોકલના મંત્રને અપનાવીને ભારતીય વસ્તુને અપનાવવા અનુરોધ કર્યો હતો.
રાજ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના વિઝન હેઠળ નાના મોટા તમામ કારીગરોને યોજનાકીય આર્થિક લાભ અને સુવિધાઓ મળી રહી છે. ગાંધીધામના નાગરિકોને સ્વદેશી મેળાની મુલાકાત લઈને મહત્તમ ખરીદી કરવા રાજ્યમંત્રીશ્રીએ સૂચન કર્યું હતું.
ગાંધીધામ મહાનગરપાલિકાના મેયરશ્રી દિવ્યાબેન નાથાણીએ સ્વાગત પ્રવચન કરીને સૌ મહાનુભાવોને આવકાર આપ્યો હતો. મેયરશ્રીએ સ્વદેશી વસ્તુની ખરીદી માટે આ સ્વદેશી મેળામાં બહોળી સંખ્યામાં નાગરિકો પધારે એમ અપીલ કરી હતી.
ગાંધીધામના ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, સ્વદેશી વસ્તુને પ્રાથમિકતા આપીને તેને જીવનનો ભાગ બનાવવી જોઈએ. વોકલ ફોર લોકલના મંત્ર સાથે દેશમાં નિર્મિત વસ્તુઓની ખરીદી કરવા તેમણે આહ્વાન કર્યું હતું.
રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા સહિત મહાનુભાવોએ રિબિન કાપીને સ્વદેશી મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યમંત્રીશ્રીએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈને ડ્રો સિસ્ટમના માધ્યમથી સ્ટોલનું અલોટમેન્ટ વગેરે પારદર્શી બાબતોને બિરદાવી હતી. રાજ્યમંત્રીશ્રીએ સ્ટોલધારકો સાથે વાત કરીને આજીવિકાના સાધનો, સ્વદેશી વસ્તુઓની બનાવટ અને વેચાણ અંગેની જાણકારી પ્રાપ્ત કરી હતી.
ઉલ્લેખનીય છે, નાગરિકો તા. ૨૩ ઓક્ટોબરથી ૩ નવેમ્બર, ૨૦૨૬ સુધી યોજાનારા આ મેળામાં દરરોજ સાંજે ૪:૦૦થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી ખરીદી, મનોરંજન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણી શકાશે. વિવિધ ૮૦ જેટલા સ્ટોલની મુલાકાત લઈને નાગરિકો અવનવી વસ્તુઓની ખરીદી કરી શકશે. મેળામાં હસ્તકલા, વિવિધ કલાત્મક કૃતિઓ, આર્ટ, મહેંદી, ઈ-બાઇક્સ, વાયર આર્ટ, ‘વેસ્ટમાંથી બેસ્ટ’ જેવી સર્જનાત્મક વસ્તુઓ સહિત વિવિધ પ્રકારનાં ઉત્પાદનો અને આકર્ષણોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વિશેષમાં ફૂડ ઝોન, બાળકો માટે નિઃશુલ્ક મનોરંજન અને ગેમ ઝોન તેમજ દરરોજ સાંજે ૭.૦૦ કલાકે વિવિધ કૃતિઓ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વદેશી ઉત્પાદનોની ખરીદીને પ્રોત્સાહન આપવાનો, સ્થાનિક વેપારીઓ અને કારીગરોને બજાર ઉપલબ્ધ કરાવવાનો, સ્વસહાય જૂથોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો તથા નાગરિકોમાં સ્થાનિક ઉત્પાદનો પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આ પ્રકારના આયોજનથી સ્થાનિક કળા, હસ્તકલા અને નાના વ્યવસાયોને નવી ઓળખ મળવાની સાથે રોજગારી અને સ્વરોજગારીની તકોને પણ પ્રોત્સાહન મળશે.
આ પ્રસંગે ડેપ્યુટી મેયરશ્રી નવીનભાઈ જરુ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી તેજસભાઈ શેઠ, ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનરશ્રી બી.ડી.ડાવેરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી સંજયકુમાર રામાનુજ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી ઉર્વિશ વાળંદ, શાસક પક્ષના નેતાશ્રી ભરતભાઈ મિરાણી, દંડકશ્રી સુરેશભાઈ ધુવા, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી તેજાભાઈ કાનગડ, આગેવાનશ્રી ધવલભાઈ આચાર્ય સહિત દીનદયાળ પોર્ટ અને ગાંધીધામ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.