કચ્છમાં ભૂકંપ અસરગ્રસ્ત બહુમાળી ઇમારતો માટે વિશેષ રીડેવલપમેન્ટ નીતિ ઘડવા પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાની મુખ્યમંત્રીશ્રીને રજૂઆત

ભુજ, ગાંધીધામ અને અંજારની ૨૫ વર્ષ જૂની અટવાયેલી રહેણાંક તથા વાણિજ્યિક મિલકતોના કાયમી પુનર્વસન માટે “કચ્છ વિશેષ પુનર્વિકાસ નીતિ – ૨૦૨૬* ની માંગણી

તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ કચ્છ જિલ્લામાં આવેલા વિનાશક ભૂકંપને ૨૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તે સમયે સરકારશ્રી અને વિવિધ સંસ્થાઓના સહયોગથી મોટું પુનર્નિર્માણ કાર્ય થયું હતું, જેનાથી કચ્છ ફરી ધમધમતું થયું છે. પરંતુ આજે પણ ભુજ, ગાંધીધામ, અંજાર સહિતના શહેરી વિસ્તારોમાં ભૂકંપ પહેલાં બનેલી સાતથી નવ માળની કેટલીક જૂની બહુમાળી ઇમારતો જર્જરિત હાલતમાં ઊભી છે. આ ઇમારતોમાં રહેણાંક ફ્લેટો ધરાવતા પરિવારો ઉપરાંત દુકાનો, ઓફિસો અને શોરૂમ જેવા વાણિજ્યિક મિલકતધારકોની કરોડો રૂપિયાની મૂડી ૨૫ વર્ષથી અટવાયેલી છે.

આ ગંભીર અને જટિલ પ્રશ્નના કાયમી, વ્યવહારુ અને ન્યાયસંગત ઉકેલ અર્થે રાપરના પૂર્વ ધારાસભ્યશ્રી પંકજભાઈ એ. મહેતા દ્વારા “પ્રજા તંત્રના પ્રશ્નો” અંતર્ગત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને એક વિસ્તૃત પત્ર પાઠવીને કચ્છ માટે વિશેષ નીતિ ઘડવા સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે.

પૂર્વ ધારાસભ્યશ્રી પંકજ મહેતાએ મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોરતાં જણાવ્યું છે કે, અમદાવાદ કે સુરત જેવા મોટા શહેરોમાં જૂની ઇમારતોના રીડેવલપમેન્ટ માટે વધારાની FSI કે ઊંચાઈ મળવાથી પ્રોજેક્ટ આર્થિક રીતે વ્યવહારુ બને છે. પરંતુ કચ્છમાં ભૂકંપ પછીના બાંધકામ નિયમો, ઊંચાઈની મર્યાદા અને ટેકનિકલ નિયંત્રણોના કારણે મૂળ સ્થળે સમકક્ષ બાંધકામ શક્ય બનતું નથી. પરિણામે મૂળ માલિકોને તેમની મિલકત સામે નવી મિલકત મળતી નથી અને ડેવલપર્સ પણ આવા પ્રોજેક્ટ હાથ ધરવા તૈયાર થતા નથી. આથી કચ્છની વિશિષ્ટ ભૌગોલિક અને ભૂકંપીય સ્થિતિને ધ્યાને રાખી “Kutch Special Earthquake-Affected Building Redevelopment and Rehabilitation Policy – 2026” ઘડવી અત્યંત આવશ્યક છે.

સાથે સાથે ભૂકંપ પહેલાં કાયદેસર રીતે અસ્તિત્વમાં રહેલી ઇમારતો માટે વિશેષ FSI આપવી. જ્યાં રસ્તાની પહોળાઈ કે સેફ્ટીના કારણે મૂળ સ્થળે સમકક્ષ બાંધકામ શક્ય ન હોય, ત્યાં મિલકતધારકોને Transferable Development Rights (TDR) અથવા અન્ય યોગ્ય વિકલ્પો પૂરા પાડવા. ભૂકંપ બાદ કચ્છમાં વિકસાવવામાં આવેલી વિવિધ રિલોકેશન સાઈટો પર આજે પણ સરકારી પ્લોટ અને જમીન ઉપલબ્ધ છે. જે માલિકોને મૂળ સ્થળે પુનર્વિકાસમાં સમાવી ન શકાય, તેમને આ રિલોકેશન સાઇટ્સ પર ઉપલબ્ધ સરકારી જમીનમાંથી વૈકલ્પિક પ્લોટ કે મિલકત ફાળવવાની જોગવાઈ કરવી.

ભૂકંપ બાદ રહેણાંક મિલકતો માટે સહાય થઈ હતી, પરંતુ વેપારીઓ અને કોમર્શિયલ મિલકતધારકો ૨૫ વર્ષથી નુકસાની ભૌગવી રહ્યા છે. પ્રસ્તાવિત નીતિમાં રહેણાંકની સાથે કાયદેસરની દુકાનો, ઓફિસો અને શોરૂમના માલિકોને પણ સાંકળી લેવા. મૂળ સ્થળે શક્ય ન હોય તો રિલોકેશન સાઇટ પર અલગ કોમર્શિયલ ઝોન વિકસાવી પ્લોટ કે દુકાન આપવી. પુનર્વિકાસ માટે જરૂરી પ્રીમિયમ FSI, ડેવલપમેન્ટ ચાર્જ, સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ખર્ચમાં કાયદેસર રીતે શક્ય રાહતો આપવી.નગરપાલિકાઓ અને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા જૂની બહુમાળી ઇમારતોનો સ્ટ્રક્ચરલ સર્વે કરાવવો. શહેરી વિકાસ વિભાગ, GSDMA, કલેક્ટર કચેરી અને મિલકતધારકોના પ્રતિનિધિઓની ઉચ્ચસ્તરીય સમિતિ રચી ૬ મહિનામાં રિપોર્ટ મેળવવો અને પ્રથમ તબક્કામાં ભુજ, ગાંધીધામ અને અંજારમાં પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરવો.

પંકજભાઈ મહેતાએ આશા વ્યક્ત કરી છે કે, કચ્છના ભૂકંપ પીડિતો અને મિલકતધારકોના ૨૫ વર્ષ જૂના અટવાયેલા આ માનવતાવાદી અને આર્થિક પ્રશ્નનો કાયમી ન્યાય અપાવવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સત્વરે સકારાત્મક નિર્ણય લઈને આ વિશેષ નીતિ મંજૂર કરવામાં આવશે.