ગાંધીધામમાં આધેડ પાસેથી પૈસા લઇ પરત ન આપતાં ગુનો દાખલ

ગાંધીધામ શહેરના એક આધેડ રિક્ષાચાલક પાસેથી દીકરીના અભ્યાસ માટે રૂપિયાની જરૂરિયાત હોવાનું કહી રૂા. 5,54,000 મેળવી બાદમાં પરત ન આપતાં માંડવીની શિક્ષિકા સામે ગુનો દર્જ થયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી શહેરના મહેશ્વરીનગર નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનાર ફરિયાદી ઓસ્લો બ્રિજ નજીક રિક્ષા સ્ટેન્ડ પર પોતાની રિક્ષા લઇને ઊભા હતા ત્યારે માંડવીમાં રહેનાર તેમના કાકાઇ ભાઇના પત્ની એ ફોન કર્યો હતો અને દીકરી રિયાના અભ્યાસ માટે રૂપિયાની જરૂરિયાત હોવાનું કહી 25,000  માગ્યા હતા. આ મહિલા શિક્ષિકા હોઇ અને ફરિયાદીના સગાં થતા હોઇ તેમણે ભરોસો કરીને 25,000 ઓનલાઇન મોકલાવી આપ્યા હતા. બાદમાં ફરીથી મહિલાએ ફોન કરી વધુ બે લાખની અને પછી વધુ પૈસાની માંગ કરી હતી. જેથી ફરિયાદીએ જુદી જુદી તારીખે આ મહિલાને પૈસા આપી દીધા હતા તેમજ એકાદ-બે વખત ઓનલાઇન પૈસા ન જતાં તેમના ઓળખીતા ને પૈસા ટ્રાન્સફર કર્યા હતા. રૂા. 5,54,000 આપ્યા હતા. ફરિયાદીને પૈસાની જરૂરિયાત ઊભી થતાં મહિલાને વારંવાર ફોન, મેસેજ કરવા છતાં તેમને પૈસા મળતા નહોતા, રૂબરૂ માંડવીની શાળાએ ગયા છતાં મહિલા મળ્યા વગર ત્યાંથી નીકળી ગયા હતા. અંતે પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.