સ્પેનમાં હાઈસ્પીડ ટ્રેનોની ટક્કર; 64 મોત

image

યુરોપનાં એક મહત્ત્વના દેશ સ્પેનમાં એક કાળજું કંપાવનારી એક ભયાનક દુર્ઘટનામાં ટોલેડો પ્રાંત પાસે બે હાઈસ્પીડ ટ્રેન વચ્ચે ભીષણ ટક્કર સર્જાતા 64 લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં.સૂત્રો પરથી મળતી માહિતી બે ટ્રેન વચ્ચે તબાહી મચાવતી આ અથડામણમાં અનેક લોકો ઘાયલ થયા છે અને તેમાંથી અનેકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની ભીતિ છે. ટ્રેનોની સરેરાશ ગતિ કલાકના 200 કિ.મી.થી પણ વધુ હતી. સ્પેનની રેલ વ્યવસ્થા સંચાલિત કરતી કંપની એડીઆઇએફના જણાવ્યા અનુસાર આજે સવારે ટોલેડો પ્રાંતમાં આ દુર્ઘટના ઘટી હતી અને ત્યારબાદ તુરંત મેડ્રિડ, સ્યૂદાદ રિયલ અને અંડાલૂસિયા વચ્ચે દોડતી ટ્રેનોને અટકાવવી દેવામાં આવી હતી. સરકારી પ્રસાર માધ્યમોના કહેવા અનુસાર ટકરાયેલી બન્ને હાઇસ્પીડ ટ્રેન એક જ દિશામાં ચાલતી હતી. જેમાં એક ટ્રેન, બીજી ટ્રેનના પાછળના હિસ્સા સાથે અથડાઈ ગઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે, બન્ને ટ્રેનના ડબ્બા પાટેથી ખડી ગયા હતા. દુર્ઘટનાનાં સ્થળે તુરંત બચાવ દળ પહોંચી ગયું હતું અને ઘાયલોને બહાર કાઢીને  હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી દેવામાં આવી હતી. સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝે આ દર્દનાક રેલ દુર્ઘટના ઉપર દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આ દર્ઘટનાથી તેઓ સ્તબ્ધ છે. તેઓ પરિવહન મંત્રી અને કેસ્ટિલા-લા માંચાના અધ્યક્ષ સાથે સતત સંપર્કમાં છે. ઉલ્લેખનીય છે કે, સ્પેનનાં હાઇસ્પીડ રેલ નેટવર્ક ઉપર આ વર્ષમાં થયેલી બીજી મોટી દુર્ઘટના છે. આ પહેલા જાન્યુઆરીમાં દક્ષિણ સ્પેનમાં પણ એક મોટી દુર્ઘટના થઈ હતી. એ વખતે એક ટ્રેન પાટેથી ઉતરીને બીજી ટ્રેન સાથે અથડાઈ હતી અને તેમાં પણ 45 લોકોના જીવ ગયા હતા.