સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ગાંધીધામ ખાતે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી

અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સામાજિક સમરસતાના સંદેશ સાથે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ ની ઉજવણી ગાંધીધામમાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. ડૉ. બાબા સાહેબ આંબેડકર કન્વેશન સેન્ટર ગાંધીધામ ખાતે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં કેવડીયા ખાતેથી યોજાયેલ રાષ્ટ્રીયકક્ષાના કાર્યક્રમનું વર્ચ્યુઅલ જીવંત પ્રસારણ સૌ મહાનુભાવો અને નગરજનોએ નિહાળ્યું હતું. મહાનુભાવો અને નાગરિકો વડાપ્રધાનશ્રીની સાથે એકતા શપથ લઈને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન સંકલ્પબદ્ધ થયા હતા.
એકતા પરેડ ખાતે વિવિધ સંસ્થાઓ અને એકમોની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં કેવડિયા એકતા પરેડમાં કચ્છની બે ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાં કચ્છના કૃષિ વિકાસને દર્શાવતી કમલમ ફળ સાથેની ઝાંખી અને રણોત્સવ સાથે કચ્છની સંસ્કૃતિના દર્શન કરાવતી ઝાંખીએ આકર્ષણ જમાવ્યું હતું. મહાનગરપાલિકાના દ્વારા ડૉ.બાબાસાહેબ ઈન્ટરનેશનલ કન્વેનશન, ગાંધીધામ ખાતે આયોજિત એકતા દિવસ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા નાગરિકોનું પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રીશ્રીએ નવજીવન વિકલાંગ સેવાશ્રયના દિવ્યાંગ બાળકોની કૃતિ નિહાળી પ્રભાવિત થઈને તેમનું સન્માન કર્યું હતું. રાજ્યમંત્રીશ્રીએ પરિસરમાં આયોજિત સ્વદેશી મેળાની મુલાકાત લઈને સ્ટોલધારકો તેમજ ગ્રાહકો સાથે આત્મીય સંવાદ કરીને સ્વદેશી વસ્તુઓને અપનાવવા સૂચન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ ઉજવણીના ભાગરૂપે કચ્છ જિલ્લાના કુલ ૬૫૫ ગામો અને ૦૭ નગરપાલિકાઓમાં તેમજ ગાંધીધામ મહાનગરપાલિકા ખાતે દબદબાભેર રાષ્ટ્રીય એકતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ તમામ કાર્યક્રમોમાં એકતા રેલી, એકતા પરેડનું જીવંત પ્રસારણ સાથે સમાજ માટે શ્રેષ્ઠ યોગદાન આપનાર રાજ્ય કે રાષ્ટ્રકક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર નાગરિકો, વડીલો, પ્રગતિશીલ ખેડૂતો, શિક્ષકો, સમાજસેવકો અને સામાજિક સમરસતા માટે યોગદાન આપનાર પૂજારીશ્રીઓનું વિશેષ પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રના સુચારુ આયોજનથી સમગ્ર કચ્છમાં રાષ્ટ્રીય એકતાની ભાવનાને નવી ઊર્જા મળી હતી.
ગાંધીધામ ખાતેના કાર્યક્રમમાં મેયરશ્રી દિવ્યાબેન નાથાણી, ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, કચ્છના પ્રભારી સચિવ અને રાજ્યના સ્કૂલ કમિશનરશ્રી આનંદ પટેલ, કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા, મ્યુનિસિપલ કમિશનરશ્રી બી.ડી.ડવેરા, મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી તેજસભાઈ શેઠ, દંડક શ્રી સુરેશભાઈ ધુઆ, પૂર્વ ધારાસભ્યશ્રી રમેશભાઈ મહેશ્વરી, અગ્રણીશ્રી ધવલભાઈ આચાર્ય, શ્રી ભીમજીભાઈ જોધાણી, શ્રી મોમાયાભાઈ ગઢવી, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી દેવેન્દ્રસિંહ જાડેજા, શ્રી યાસિકાબેન, ડેપ્યુટી મેયરશ્રી નવીનભાઈ જરૂ, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી ઉર્વીશ વાળંદ અને શ્રી સંજય રામાનુજ સહિત અધિકારીઓ, વિવિધ વોર્ડના કોર્પોરેટરશ્રીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.