27 ભારતીય સાથેના જહાજ પર ચુંબક બોમ્બ હુમલો
હોર્મુઝમાં ગુરૂવારે 27 ભારતીય ક્રૂ સભ્ય ધરાવતા તેલ ટેન્કર જહાજ એમટી-લુઈસ-1 પર હુમલો થયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી આ હુમલો કોઈ મિસાઈલ કે ડ્રોન વડે નહીં પરંતુ વિસ્ફોટ ચિપકાવીને કરવામાં આવતાં હુમલાની આ નવી રીતથી ચિંતા જાગી છે. પનામાના ધ્વજવાળા આ ટેન્કર પાસે એક નાનકડી નૌકા પહોંચી હતી. નૌકામાં આવેલા લોકોએ જહાજના બહારના ભાગ પર બે લિમ્પેટ માઈન્સ ચિપકાવી ત્યાંથી ચાલ્યા ગયા હતા. થોડા સમય બાદ બંને સુરંગમાં વિસ્ફોટ થયો હતો જેનાથી ઈન્જિનના કક્ષમાં આગ લાગી ગઈ હતી અને એન્જિન થોડા સમય માટે કામ કરતું બંધ થઈ ગયું હતું. જોકે ઘટના બની ત્યારે હાજર ક્રૂ સભ્યોએ આગ પર કાબૂ મેળવી જહાજને સુરક્ષિત કર્યું હતું. હુમલાની પાછળ કોનો હાથ હતો તે હજુ બહાર આવ્યું નથી. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે જહાજ પર સવાર તમામ 27 ભારતીય નાવિક સલામત છે. કોઈને ઈજા પહોંચી નથી. એજન્સીના અહેવાલ મુજબ ફેબ્રુઆરીમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ શરૂ થયો તે પછી પહેલી જ વખત આ રીતે લિમ્પેટ માઈન્સથી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ પહેલાં સપ્ટેમ્બરમાં પણ આ પ્રકારે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તે વખતે વિસ્ફોટ થયો ન હતો. બ્રિટનની સમુદ્રી સલામતી એજન્સી યુકેએમટીઓ અનુસાર ટેન્કર પર હુમલો ઓમાનના ખાસાબ શહેરથી આશરે 46 કિ.મી. દૂર ઉત્તર-પૂર્વમાં થયો હતો. લિમ્પેટ માઈન્સ નાના આકારના વિસ્ફોટક હોય છે જેને તરવૈયા કે નાની નૌકા દ્વારા જહાજના બહારના ભાગે ચિપકાવી શકાય છે. તેમાં ચૂંબક લાગેલાં હોય છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે જહાજોને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવે છે.