ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને રતનપરમાં પી.એમ.કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં બનાસકાંઠાના ભીલડી ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજરોજ ભચાઉ તાલુકાના રતનપર ખાતે રાપર ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ હતી.
સાંગવારી માતાજી મંદિર યોજાયેલા કાર્યક્રમની શરૂઆત ધારાસભ્યશ્રી અને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા અને પ્રગતિશીલ ખેડૂતોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. મહાનુભાવો ખેડૂતો સાથે પ્રધાનમંત્રીશ્રીના લાઇવ કાર્યક્રમમાં જોડાયાં હતાં અને મુખ્યમંત્રીશ્રી તેમજ પ્રધાનમંત્રીશ્રીનું ઉદબોધન નિહાળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ૨૪ મો હપ્તો રિલીઝ કર્યો હતો. જેનાથી દેશના ૯.૩૪ કરોડ ખેડૂત કુટુંબોને રૂ.૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય અને ગુજરાતના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂ.૧૦૫૧ કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, આગેવાનશ્રીઓ તથા વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.