૩૧મી ઓક્ટોબરે સમગ્ર કચ્છમાં થશે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી
તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સામાજિક સમરસતાના સંદેશ સાથે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ ની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી અંતર્ગત જિલ્લામાં ગ્રામ્યથી લઈને નગરપાલિકા તેમજ મહાનગરપાલિકા કક્ષા સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આયોજિત એકતા રેલીમાં સહભાગી થઈને શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા
ડૉ.બાબાસાહેબ આંબેડકર કન્વેશન સેન્ટર, ગાંધીધામ ખાતેના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. જ્યારે કચ્છના નગરપાલિકા તેમજ ગામડાઓમાં આયોજિત અન્ય કાર્યક્રમો વિવિધ પદાધિકારીશ્રીઓની હાજરીમાં યોજાશે.
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ કચ્છના દરેક ગામ, નગરપાલિકા અને મહાનગરપાલિકા કક્ષાએ વિવિધ કાર્યક્રમો અને ‘એકતા રેલી’ યોજાશે. આ એકતા રેલીમાં ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ, અધિકારીશ્રીઓ, સહકારી મંડળીના સભાસદો, મહિલા સ્વસહાય જૂથો, યુવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાશે. આ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે ગ્રામ્યકક્ષાએ તલાટી અને આચાર્યના માર્ગદર્શનમાં ‘સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા સમિતિ’, તાલુકાકક્ષાએ નાયબ કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં અને મહાનગરપાલિકા કક્ષાએ મેયરશ્રીના અધ્યક્ષસ્થાને સમિતિની રચના કરી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
આ ઉજવણી અંતર્ગત કચ્છ જિલ્લામાં ગાંધીધામ ખાતે મહાનગરપાલિકા દ્વારા વોર્ડવાઇઝ ‘એકતા રેલી’નું આયોજન કરવામાં આવ્યું છે અને કુલ ૧૩ વોર્ડમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી લાઇવ ટેલિકાસ્ટની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત, જિલ્લાના તાલુકાકક્ષાના કાર્યક્રમો અંતર્ગત દરેક ગામ અને નગરપાલિકામાં કાર્યક્રમો યોજાશે. જે અન્વયે કચ્છ જિલ્લાના કુલ ૬૫૫ ગામોની પ્રાથમિક શાળાઓમાં અને જિલ્લાની કુલ ૦૭ નગરપાલિકાઓમાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
આ કાર્યક્રમની રૂપરેખા મુજબ ૩૧ ઓક્ટોબરના રોજ સાંજે ૫:૦૦ કલાકે વંદે માતરમ્ ગાન સાથે કાર્યક્રમનો પ્રારંભ થશે. જે દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સન્માન સમારોહ યોજાશે. સાંજે ૫:૩૦ થી ૭:૧૦ કલાક દરમિયાન એકતા પરેડ યોજાશે અને દેશના પ્રધાનમંત્રીશ્રીનું પ્રેરક ઉદ્બોધન રજૂ થશે. ત્યારબાદ સાંજે ૭:૧૦ થી ૭:૪૦ વાગ્યા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતેથી યોજાનાર રાષ્ટ્રીયકક્ષાના કાર્યક્રમનું LED/TV સ્ક્રીન મારફતે જીવંત પ્રસારણ દર્શાવવામાં આવશે.
આ ઉજવણી નિમિત્તે તમામ કાર્યક્રમોમાં સમાજ માટે શ્રેષ્ઠ યોગદાન આપનાર વ્યક્તિઓને વિશેષ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવશે. સન્માન માટેની શ્રેણીઓમાં રાજ્ય કે રાષ્ટ્રકક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર નાગરિકો, ૮૦ વર્ષથી વધુ વયના પ્રતિષ્ઠિત વડીલો, પ્રગતિશીલ અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, શિક્ષણ ક્ષેત્રે વિશેષ કામગીરી કરનાર શિક્ષકો, સમાજસેવકો તથા સામાજિક સમરસતા માટે યોગદાન આપનાર પૂજારીશ્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમગ્ર કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે.