જામનગરથી મુંદરા પોર્ટ વચ્ચે કન્ટેનરમાંથી 8.15 લાખના માલની તફડંચી

જામનગરની કંપનીમાંથી બ્રાસ પાર્ટ કન્ટેનરમાં ભરી વિદેશ મોકલવા મુંદરા પાર્ટ માટે રવાના થયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી રસ્તામાં આ બ્રાસ પાર્ટમાંથી  28 બોક્સ જેની કિં. રૂા. 8,15,000ની ચોરી થતાં અને કન્ટેનરચાલક નાસી છૂટયો હોવાથી તેની વિરુદ્ધ તથા તપાસમાં જે નીકળે તેની સામે ફરિયાદ નોંધાવાઈ છે. આ અંગે મુંદરા પોલીસ મથકે જામનગરના મયંક રો મીટ કંપનીના ડાયરેક્ટર એ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 29/10ના ખાલી કન્ટેનરની ટ્રક માં વિદેશ મોકલવા બ્રાસ ફિટિંગ પાર્ટસના એક પેલેટમાં 48 બોક્સ એવા કુલ 23 પેલેટમાં વજન 17,900 કિ.ગ્રા. ભરી સીલબંધ કરી કંપનીમાંથી મુંદરા પોર્ટ તરફ રવાના કરાયા હતા. આ બાદ તા. 30/10ના કન્ટેનર મુંદરા પોર્ટ પહોંચતાં કસ્ટમ હાઉસ એજન્ટના માણસ દ્વારા વજન કરાતાં 570 કિ.ગ્રા. વજન ઓછું આવ્યું હતું. આથી ફરિયાદી અને અન્યો મુંદરા આવી કન્ટેનર ચકાસતાં 48માંથી 28 બોક્સ ઓછા થઈ ગયા હતા. ગાડીના ચાલક વિક્રમાદિત્ય કુમારને ફોન કરતાં તેનો મોબાઈલ સ્વિચઓફ આવ્યો હતો અને તે ભાગી ગયો હતો. આ 28 બોક્સનું વજન 570 કિ.ગ્રા. જેની કિં. રૂા. 8,15,000 જામનગરથી મુંદરા પોર્ટ સુધીમાં કન્ટેનર ખોલી તેમાંથી ચોરી કરી હતી. ગાડીચાલક તથા તપાસમાં જે નીકળે તેની વિરુદ્ધ  પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.