કચ્છ જળસીમાએ ઇબ્રાહીમ બેટ પર રઝળતાં ચરસનાં 10 પેકેટ મળ્યાં

સંવેદનશીલ સરહદી લખપત તાલુકાના દરિયાઈ ક્રીક વિસ્તારમાંથી ફરી એકવાર કેફી દ્રવ્યોનો જથ્થો ઝડપાયો છે.સૂત્રો પરથી મળતી માહિતી રવિવારે દરિયાઈ ક્ષેત્રમાં સઘન પેટ્રાલિંગ કરી રહેલી સીમા સુરક્ષા દળની ટુકડીને બેટ પરથી બિનવારસુ હાલતમાં પડેલાં ચરસનાં 10 પેકેટ મળી આવ્યાં હતાં. બીએસએફની પેટ્રાલિંગ ટુકડી રવિવારના દરિયાઈ વિસ્તારમાં રૂટિન પેટ્રાલિંગમાં હતી. આ દરમિયાન લખપત તાલુકા અંતર્ગત આવતા ઇબ્રાહીમ બેટ નજીક જવાનોને શંકાસ્પદ વસ્તુઓ નજરે પડી હતી. ટુકડીએ બેટ પર ઊતરીને સઘન તપાસ હાથ ધરતાં ત્યાં બિનવારસુ હાલતમાં રઝળતાં ચરસનાં 10 પેકેટ મળી આવ્યાં હતાં. બીએસએફના જવાનોએ તાત્કાલિક અસરથી આ તમામ પેકેટો પોતાના કબજે લીધાં હતાં. પ્રાથમિક દૃષ્ટિએ આ પેકેટો લાંબા સમય પૂર્વે દરિયામાં ફેંકાયા બાદ તણાઈને કાંઠે લાગ્યા હોય તેવી હાલતમાં જણાઈ રહ્યા છે. આ સંદર્ભે આગળની કાયદેસરની કાર્યવાહી અને એફએસએલ તપાસ અર્થે જપ્ત કરાયેલો આ નશાનો જથ્થો સ્થાનિક નારાયણ સરોવર પોલીસ સ્ટેશનને સુપરત કરવાની તજવીજ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે, હજુ ગણતરીના દિવસો પૂર્વે જ કચ્છના ક્રીક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટો અને ઘૂસણખોરો ઝડપાયા હતા. આ ઘટના બાદ સરહદ પારથી થતી કોઈ પણ પ્રકારની નાપાક હરકતો કે દાણચોરીને ડામી દેવા બીએસએફ દ્વારા સમગ્ર ક્રીક અને બેટ વિસ્તારોમાં જળ-જમીન પર પેટ્રાલિંગ ખૂબ જ વધારી દેવાયું છે.