ભુજ આરટીઓ પરિસરમાં ફરી મારામારીની ઘટના સર્જાયાની દલીલ

ભૂતકાળમાં કામ સિવાયના મુદ્દાથી ચર્ચામાં રહેતી અહીંની પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી માં ફરી બોલાચાલી-મારામારીના બનાવથી ચર્ચા જાગી હતી. કચેરી સમય દરમ્યાન સાંજના ભાગે બનેલા આ બનાવમાં આગેવાનોની મધ્યસ્થીથી મામલો સમાધાન થવા સાથે પોલીસ ચોપડેથી દૂર રહ્યો હતો.સૂત્રો પરથી મળતી માહિતી મારામારી, ધાકધમકીના બનાવોને પગલે સલામતી જવાનોની હાજરી ધરાવતી આ કચેરીમાં નજરે જોનારાઓ અનુસાર સાંજના સમયે બે વ્યક્તિ વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી જે આગળ વધતાં કચેરીના પરિસરમાં પ્રવેશદ્વાર પાસે મારામારીમાં પરિણમતાં લોકોમા ભય ફેલાયો હતો. ઉગ્ર વાતાવરણ વચ્ચે છરી નીકળ્યાની પણ લોકમુખે ચર્ચા હતી. બનાવની જાણ થતાં ધસી આવેલા આગેવાનોએ મામલો શાંત પાડી બંને પક્ષે સમાધાન કરાવતાં વાત થાળે પડી હોવાનું એ સમયે ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું.