માંડવીમાં ગટરની ચેમ્બરના ખાડામાં ઊતરેલા કર્મચારી ગૂંગળાઈ જતાં દોડાદોડી

માંડવી શહેરના લાયજા રોડ ઉપર ઉમિયાનગરના ગેટ પાસે બપોરે ગટરની ચેમ્બર સાફ કરી રહેલા માંડવી નગર સેવા સદનના ગટર મેઈન્ટેનન્સ કોન્ટ્રાક્ટર જહાન્વી કન્સ્ટ્રકશનના કર્મચારી તથા અન્ય એક ગટર સાફ કરવા ચેમ્બરમાં ઊતરેલા, તે દરમ્યાન ગૂંગળામણ-મુંઝારો થતાં દોડાદોડી થઈ હતી.સૂત્રો પરથી મળતી માહિતી કર્મચારીઓ બેભાન થઈ જતાં તેને ડોર ટુ ડોર વાહન મારફતે માંડવીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ફરજ પરના ડોક્ટરે તાત્કાલિક સારવાર કરી બંને કર્મચારીને ચિંતામુક્ત કર્યા હતા. ઉપરોક્ત બનાવ અંગે તપાસ કરતાં કોન્ટ્રેક્ટ અપાયેલી ખાનગી પાર્ટીને કરારમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ કર્મચારીને ગટરમાં અંદર ઉતારવા નહીં છતાં પણ ઉતારી જે ભૂલ કરી છે તે અંગે જવાબદાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. પાર્ટીએ પોતાના બચાવ અંગે તેઓઁએ જણાવ્યું કે, કર્મચારીનો પગ લપસી ગયો હતો. ઉપરોક્ત ખાનગી એજન્સીને નગરપાલિકા દ્વારા પોતાનાં સાધનો પણ ભાડે આપવામાં આવ્યાં છે. બીજી બાજુ આ ગટરની ચેમ્બરનો જે ખાડો જોવામાં આવ્યો તેમાં ગટરના પાઈપની સાથે અન્ડર ગ્રાઉન્ડ ગેસની પાઈપલાઈન જાય છે, જે જોતાં ગેસની લાઈનની મંજૂરી આપવામાં નગર સેવા સદનની કોઈ જ જવારદારી ન હોય તેવું લાગે છે કે, ભવિષ્યના અકસ્માતને આમંત્રણ અપાય છે. ગેસની લાઈન હજુ ભલે ચાલુ નથી થઈ, ગટરની લાઈનના કર્મચારીઓ બીડી-સિગારેટ પીતા હોય અને તેની અસર આ લાઈનમાં થતાં કેટલી વાર લાગે? એઁવા અનેક સવાલો આ ખૂલો ખાડો જોતાં લોકોમાં ઊઠ્યા હતા.