ગાંધીધામની ખાનગી શાળામાં આચાર્ય પર સહાયક શિક્ષકનો હુમલો

અહીંની જાણીતી શાળામાં પ્રિન્સિપાલના હોદ્દા અને વહીવટી બાબતોને લઇને એક અત્યંત ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે.સૂત્રો પરથી મળતી માહિતી શાળાના ઇન્ચાર્જ આચાર્ય ઉપર તેમના જ સહાયક શિક્ષક દ્વારા હુમલો કરાયો હોવાની ફરિયાદ પોલીસ મથકે ચડી છે. અહીંની ગીધવાણી સ્કૂલમાં ગત તા. 30/10ના સવારના અરસામાં આ બનાવ બન્યો હતો. બનાવના આરોપી આ શાળામાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હતા, પરંતુ ટ્રસ્ટ દ્વારા તેમને આ હોદ્દા પરથી હટાવીને આ બનાવના ફરિયાદી ને ઇન્ચાર્જ આચાર્ય તરીકેની નિમણૂક કરવામાં આવી હોવાથી તે બાબતનું મનદુ:ખ રાખીને તકરાર કરવામાં આવી હતી. બનાવના દિવસે ફરિયાદી ઇન્ચાર્જ આચાર્ય શાળાના બાથરૂમમાં ગયા ત્યારે આરોપીએ બહારથી કડી મારી દરવાજો બંધ કરી નાખ્યો હતો. ફરિયાદીએ બૂમો પાડતાં દરવાજો ખોલ્યો હતો, તે બહાર આવતાં આરોપીએ શર્ટ પકડી ધક્કો મારી નીચે પાડી દીધો હતો અને ઉપર ચડી બેસીને ગળું પકડી હાથ તથા શરીરના ભાગે માર માર્યો હતો. એટલું જ નહીં, ફરિયાદીને ધમકી આપી હતી કે જો મારા વિરુદ્ધ કોઇ મૌખિક કે લેખિત અરજી કરશે અથવા ફી બાબતે કે એન.સી.સી. બાબતે તથા શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર વિશે કોઇ મામલો ઉઠાવશે તો જાનથી મારી નાખીશ અને ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હતી. બાદમાં આરોપીએ ઊંચા અવાજે રાડારાડ કરી પોતાનું માથું બાથરૂમની દીવાલ સાથે ભટકાવ્યું હતું. તે સમયે બાળકો ત્યાં હાજર હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. શૈક્ષણિક સંકુલ જ્યાં બાળકોને નીતિમત્તાના પાઠ ભણાવાય છે ત્યાં બે શિક્ષક વચ્ચે માથાકૂટથી ભારે ચકચાર પ્રસરી છે.