ટપ્પર અને ભુજમાં ગેરકાયદે ખનિજચોરી પકડાતાં રૂા. એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

image

પૂર્વ હોય કે પશ્ચિમ કચ્છના પેટાળમાં રહેલાં ખનિજનું ગેરકાયદે રીતે ખનન કરી વેચસાટ કરનારા ભૂ-માફિયાઓ સામે ખાણ-ખનિજ વિભાગ અને તેની ફ્લાઈંગ સ્કવોડ દ્વારા છાપો મારી ખનિજચોરી પકડવામાં આવે છે.સૂત્રો પરથી મળતી માહિતી આવી જ કાર્યવાહી ભુજ અને અંજાર તાલુકામાં હાથ ધરાઈ હતી. કલેકટર કચ્છનાં માર્ગદર્શન હેઠળ મદદનીશ નિયામક ભુજની ફ્લાઈંગ સ્કવોડના શ્રી શાહ દ્વારા ખનિજચોરી અંગે ગંભીરતા લઈ બાતમીના આધારે ખાનગી વાહનથી અંજાર તાલુકાના  ટપ્પર ગામને લાગુ સીમ વિસ્તાર ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન એક એસ્કેવેટર મશીન તથા બે ડમ્પર દ્વારા હાર્ડ મોરમ ખનિજનું ગેરકાયદે ખનન તથા વહન થતું હતું તેની અટક કરી વાહનોને સીઝ કરવામાં આવ્યાં હતાં. આગળની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી હતી. આજે વહેલી સવારે પણ ખાનગી વાહનથી ભુજ શહેરના આશ્રમ સર્કલ ખાતે તપાસ હાથ ધરવામાં આવતાં એક ડમ્પર દ્વારા સાદી રેતી ખનિજનું ગેરકાયદે વહન કરતાં અટક કરી, વાહનને સીઝ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બન્ને તપાસ દરમ્યાન પકડાયેલા એસ્કેવેટર મશીન તથા ત્રણ ડમ્પર મળી કુલ રૂપિયા એક કરોડની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો અને ખોદકામનો માલ વગેરે લઈ દંડ વગેરે કરવામાં આવશે તેવું જણાવાયું હતું.