વધુ એક ભયંકર ચક્રવાત `આક્વાન’ આવી રહ્યો છે

મહિનાભરમાં હવે ત્રીજા ચક્રવાતનું એલર્ટ જાહેર થયું છે. મળતી માહિતી મુજબ બંગાળની ખાડીમાં બનેલું ઓછા દબાણનું ક્ષેત્ર ટૂંક સમયમાં ભયંકર ચક્રવાતી તોફાનમાં તબદીલ થવાનું છે. ઓછા દબાણનું ક્ષેત્ર ચક્રવાત અક્વાનમાં ફેરવાય તેવી આશંકા છે. હવામાન વિભાગે રવિવારે સવારે જાહેર બુલેટિનમાં જણાવ્યું હતું કે, બંગાળની ખાડીમાં દક્ષિણ પૂર્વી હિસ્સામાં બનેલું દબાણનું ક્ષેત્ર ઉંડા દબાણમાં બદલાયું છે. આઈએમડી અનુસાર સવારે 5.30 વાગ્યે બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વી હિસ્સામાં લો પ્રેશર કેન્દ્રીત હતું. જે અંદામાન દ્વીપ સમૂહના પોર્ટ પ્લેયફરથી 700 કિમી અને ચેન્નઈથી 860 કિમી દુર થાય છે. હવામાન વિભાગ અનુસાર આ દબાણ ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધીને બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ધારણ કરે તેવી પુરી સંભાવના છે. ત્યારબાદ 17 નવેમ્બરના રોજ ભીષણ ચક્રવાતી તોફાનમાં બદલશે. ઉત્તર હિંદ મહાસાગરમાં બનનારા ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામકરણની યાદી અનુસાર ઈરાન તરફથી સુચવવામાં આવેલું નામ અક્વાન રાખવામાં આવશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકો તરફથી ચક્રવાતની ચાલ ઉપર પુરતી નજર રાખવામાં આવી રહી છે. ચક્રવાત આક્વાનના કારણે ભારતના દરિયા કિનારાના રાજ્યોમાં ફરી ભારે વરસાદ અને પવન ફુંકાવાની સ્થિતિ જોવા મળી શકે છે.