રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત  ચકાર (કોટડા)ની ૧૦ બહેનો  ગુજરાત સરકારની આર્થિક સહાયથી ઘર બેઠા પગભર બની

003

ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા, સ્વરોજગારની તકો પૂરી પાડવા અને આત્મનિર્ભર બનાવવા માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના મહિલાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહી છે. ત્યારે ચકાર(કોટડા) ગામની ધનલક્ષ્મી સખી મંડળની બહેનો માટે આ યોજના આશાનું કિરણ બની છે.

 રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ધનલક્ષ્મી સખી મંડળની ૧૦ બહેનોને રોજગારની નવી તક મળી છે. આ મંડળની બહેનો આજે વિવિધ પ્રકારના નાસ્તા બનાવી પોતાની રોજગાર મેળવી રહી છે.

ધનલક્ષ્મી સખી મંડળની બહેનોએ પોતાના અનુભવો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “અમે અગાઉ માત્ર ઘરકામ સુધી મર્યાદિત હતાં. અમારામાં વિવિધ પ્રકારની આવડત અને કૌશલ્ય હોવા છતાં તેનો ઉપયોગ કરીને સ્વરોજગાર કેવી રીતે શરૂ કરી શકાય તેની જાણકારી નહોતી. સરકારની આવી યોજનાઓ વિશે પણ અમને કોઈ માહિતી નહોતી. ત્યારબાદ સખી મંડળ વિશે જાણકારી મળતાં અમે એકજૂથ થઈને ૧૦ બહેનોનું જૂથ બનાવ્યું અને તેને ‘ધનલક્ષ્મી સખી મંડળ’ નામ આપ્યું.

આજે સરકારના સહયોગથી અમે નાના પાયે ગૃહઉદ્યોગ ચલાવી રહ્યાં છીએ. ઘઉં, ચોખા અને મકાઈમાંથી વિવિધ વાનગીઓ સાથે બહેનોને સિવણ આવડતું હોવાથી વિવિધ પ્રકારના થેલા, પર્સ બનાવીને તેનું વેચાણ કરીએ છીએ અને તેના થકી રોજગારી મેળવી રહ્યાં છીએ. આ યોજનાના કારણે અમને પોતાની આવક ઊભી કરવાની સાથે આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા પણ મળી છે. સરકારની આ પહેલ અમારા જેવી અનેક મહિલાઓ માટે રોજગારીની નવી તકો ઊભી કરી રહી છે. આ માટે અમે  સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.