અબડાસાના વાયોર ગામે 200 વર્ષ જૂના કબ્રસ્તાનને બચાવવા ગ્રામજનોની માંગ
અબડાસા તાલુકાના વાયોર ગામે સરકારી સર્વે નંબર 276માં આવેલું લગભગ 200 વર્ષ જૂનું ઐતિહાસિક કબ્રસ્તાન હવે પ્રસ્તાવિત રેલવે ટ્રેકના કારણે જોખમમાં મુકાયું છે. આ કબ્રસ્તાનમાં ગામના પૂર્વજોની સેંકડો કબરો આવેલી છે અને તે મુસ્લિમ સમાજ માટે ધાર્મિક આસ્થા અને વારસા સાથે જોડાયેલું પવિત્ર સ્થળ છે.
જાણવા મળ્યું છે કે નવા રેલવે પ્રોજેક્ટનું એલાઈનમેન્ટ આ જ કબ્રસ્તાનની જમીનમાંથી પસાર થવાનું છે. જેના કારણે ગામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ જિલ્લા કલેકટર અને રેલવે તંત્રને લેખિત રજૂઆત કરીને રેલવે ટ્રેકનું એલાઈનમેન્ટ બદલવાની માંગ કરી છે.
ગામના આગેવાનોનું કહેવું છે કે જો કબરો તોડવામાં આવશે તો ધાર્મિક લાગણી દુભાશે. તંત્ર દ્વારા સ્થળ મુલાકાત કરી ગ્રામજનો સાથે ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવાય તેવી માંગ કરવામાં આવી છે.