વિશ્વને શાંતિ અને સુરક્ષાની ધરપત
દુનિયાની ત્રણ મોટી પરમાણુ શક્તિ અમેરિકા, ચીન અને રશિયાના શીર્ષ નેતાએ ચીનના શેન્ઝેનમાં ત્રિપક્ષીય બેઠક કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીની રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની બેઠક અંદાજીત એક કલાક ચાલી હતી. આ ઐતિહાસિક મુલાકાત બાદ `શાંતિની દિશામાં રશિયા-ચીન-અમેરિકાના રાષ્ટ્રાધ્યક્ષોનું ઘોષણાપત્ર’ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા, રિફાઈન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનું ઉત્પાદન વધારવું અને આપૂર્તિ વધારવી તેમજ પરમાણુ જોખમોને ઘટાડવા ઉપર ચર્ચા કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. ઘોષણાપત્ર અનુસાર ત્રણેય દેશના નેતાઓએ આંતરરાષ્ટ્રીય સ્થિતિ ઉપર ઉંડો વિચાર વિમર્શ કર્યો હતો અને રણનીતિક સ્થિરતા તેમજ આંતરરાષ્ટ્રીય સુરક્ષા જાળવી રાખવાનો સંકલ્પ લીધો હતો. રશિયા અને અમેરિકાના રાષ્ટ્રપતિએ ત્રિપક્ષીય શિખર સંમેલનની મેજબાની બદલ ચીનની સરાહના કરી હતી. ઘોષણાપત્રમાં કહેવાયું છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય હોવાના કારણે રશિયા, ચીન અને અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાનો સંકલ્પ લીધો છે. જેથી વૈશ્વિક પડકારોનો વધારે પ્રભાવી રીતે સામનો કરી શકાય. ત્રણેય દેશ તમામ રાષ્ટ્રોના લાભ માટે રિફાઈન્ડ પેટ્રોલિયમ પેદાશનું ઉત્પાદન વધારવા અને આપૂર્તિમાં વૃદ્ધિ માટે સહમત થયા હતણા અને વૈશ્વિક સ્તરે સ્થિર ઉર્જા પ્રવાહના મહત્વને દોહરાવ્યું હતું. કાનૂની મામલે નેતાઓએ રાજ્યની સહમતિના સિદ્ધાંત અને સરકારી અધિકારીઓને પ્રાપ્ત છૂટના સન્માનનું મહત્વ દોહરાવ્યું હતું. આ સાથે આંતરરાષ્ટ્રીય અપરાધિક ન્યાયાલય અને આવી અન્ય સંસ્થાઓએ પોતાના અધિકાર ક્ષેત્રનો દુરુપયોગ ન કરવો જોઈએ તેવી સહમતી બની હતી. ઘોષણાપત્રમાં દોહરાવવામાં આવ્યું છે કે પરમાણુ યુદ્ધ ક્યારેય જીતી શકાય નહી અને આવું યુદ્ધ ક્યારેય થવું જોઈએ નહી. ત્રણેય દેશ પરમાણુ જોખમોને ઘટાડવા માટે અને પરમાણુ હથિયારનો પ્રસાર રોકવા માટે વાતચીત કરશ
રશિયા, ચીન અને અમેરિકા સ્થિર દુનિયા બનાવી શકે છે : પુતિન :: પુતિન તરફથી જણાવાયું હતું કે અમેરિકા, ચીન અને રશિયા દ્વિતીય વિશ્વયુદ્ધના વિજેતા દેશ છે અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવી સંયુક્ત જવાબદારી બને છે. યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરતા પુતિને જણાવ્યું હતું કે યુક્રેન સંઘર્ષ સહિત ક્ષેત્રીય વિવાદ ઉકેલવામાં દેશોના ઘણા પરસ્પરના હિત છે અને તેના ઉપર ચર્ચા કરવામાં આવી છે. પુતિને ટ્રમ્પ અને ઝિનપિંગને જણાવ્યું હતું કે જો રશિયા, ચીન અને અમેરિકા સાથે મળીને કામ કરે તો વૈશ્વિક સ્થિરતા મજબૂત કરી શકે છે. ઝિનપિંગ અને ટ્રમ્પે વૈશ્વિક અને ક્ષેત્રીય મુદ્દાની સાથે ઊર્જા સુરક્ષા ઉપર પણ ચર્ચા કરવી જોઈએ.
અમેરિકા,ચીન, રશિયા ઈતિહાસ રચી રહ્યા છે : ટ્રમ્પ:-ટ્રમ્પે ત્રિપક્ષીય મુલાકાતને ઐતિહાસિક ગણાવતા જણાવ્યું હતું કે તેઓ હકીકતમાં ઈતિહાસ રચી રહ્યા છે. પુતિન અને ઝિનપિંગ સાથે હોવા સન્માનની વાત છે. આ સાથે પૂર્વ નેતાઓની આલોચના કરતા કહ્યું હતું કે પહેલાના સમયમાં મતભેદ ધરાવતા દેશો સાથે વાતચીત કરવામાં આવતી નહોતી પણ પોતાના વિચારો અલગ છે. ટ્રમ્પે આગળ ઉમેર્યું હતું કે દુનિયાના ત્રણ મોટા દેશના રાષ્ટ્રપતિના રૂપમાં પુરા ગ્રહને પ્રભાવિત કરતા મુદ્દે ખુલ્લી, સન્માનજનક અને સાર્થક વાતચીત કરવી તેઓની જવાબદારી છે. ઈરાન યુદ્ધ મુદ્દે ટ્રમ્પે સાફ કહી દીધું હતું કે ઈરાનને પરમાણુ હથિયાર મેળવવા દેવાશે નહી. પરમાણુ હથિયાર મળ્યા બાદ તેને છોડવા મુશ્કેલ હોય છે.