દિન-પ્રતિદિન આસમાને પહોંચતી મોંઘવારી અને તેના કારણે સામાન્ય પરિવારો પર વધી રહેલા દેવાના બોજ સામે આજે સ્થાનિક નાગરિકો અને વિવિધ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન

image

દિન-પ્રતિદિન આસમાને પહોંચતી મોંઘવારી અને તેના કારણે સામાન્ય પરિવારો પર વધી રહેલા દેવાના બોજ સામે આજે સ્થાનિક નાગરિકો અને વિવિધ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ મામલે ગાંધીધામ જિલ્લા મામલદાર કચેરી ખાતે પહોંચીને સરકારને સંબોધતું આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જીવનજરૂરી ચીજવસ્તુઓ, રાંધણગેસ, પેટ્રોલ-ડીઝલ, શિક્ષણ અને આરોગ્ય સેવાઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ, સામાન્ય વર્ગની આવકમાં કોઈ નોંધપાત્ર વધારો ન થવાથી ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે, જેના પરિણામે મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો દેવાના ચક્રમાં ફસાઈ રહ્યા છે.
આગેવાનોએ માંગ કરી છે કે સરકાર તાત્કાલિક અસરથી મોંઘવારી પર નિયંત્રણ લાવે અને જરૂરિયાતમંદ વર્ગને આર્થિક રાહત આપવા માટે નક્કર પગલાં ભરે. જો આગામી દિવસોમાં આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી ના હોદ્દાદારો /કાર્યકર્તા નિશાબેન ચૌહાણ ,દિગ્વિજયસિંહજી જાડેજા ,રાજેશભાઈ સથવાર , જીતેન્દ્રભાઈ દેઇવતાવલ ,નિર્મલાબેન હિંડાનિયા ,યોગેશભાઈ કુમટેખર સુરેશભાઈ બૈરુપાલ રતનશી બલિયા અને સંખ્યામાં સ્થાનિક રહીશો, અને કાર્યકરો જોડાયા હતા.