સાંઘીપુરમ, સાડાઉ અને કોઠારામાં ગાંજા સાથે ત્રણ શખ્સ ઝડપાયા
યુવાનોમાં નશાખોરીની બદી વધી છે. તે વચ્ચે પોલીસે અબડાસાના સાંઘીપુરમ પાસેથી, મુંદરાના સાડાઉ અને કોઠારામાંથી માદક પદાર્થ ગાંજા સાથે ત્રણ શખ્સને ઝડપી પાડયા હતા. મળતી માહિતી મુજબ વાયોર પોલીસે ગઈકાલે બાતમીના આધારે સાંઘીપુરમમાં રહેતાને માદક પદાર્થ ગાંજો 32ગ્રામ કિં. રૂા. 1600 તથા એક મોબાઈલ કિં. રૂા. 500 એમ રૂા. 2100ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. જ્યારે મુંદરા મરીન પોલીસે પણ રાતે સાડાઉના ગોલ્ડન પંજાબ ગાર્ડન રેસ્ટોરન્ટની સામેથી બાતમીના આધારે રિક્ષાચાલક મહમદ આમદ સાંધ (રહે. સાડાઉ)ને ગાંજો 26 ગ્રામ કિં.રૂા. 1300અને એક મોબાઈલ ફોન કિં.રૂા. 5000 તથા રિક્ષા કિં. એક લાખ એમ કુલ્લે રૂા. 1,06,300ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ ઉપરાંત ગઈકાલે કોઠારા પોલીસે કોઠારા રેલવે સ્ટેશન બાજુ જતા એક રોડ પરથી પુરુષોત્તમ કુમાર શિવરતનકુમાર સુમન યાદવને 10.100 ગ્રામ ગાંજો કિં.રૂા. 505ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. ત્રણે કેસમાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ એનડીપીએમ એક્ટ તળે ગુના દાખલ કરી કાર્યવાહી કરી હતી.