કચ્છના નાગરિકો માટે એઈમ્સ (AIIMS) રાજકોટ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાશે ‘નિઃશુલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પ’
કચ્છ જિલ્લાના નાગરિકોની સુખાકારી અને ઉત્તમ સ્વાસ્થ્યને વિશેષ પ્રાધાન્ય આપીને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન -એઈમ્સ રાજકોટ અને કચ્છ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે તા.૨૮ નવેમ્બર, ૨૦૨૬ના રોજ જી.કે.જનરલ હોસ્પિટલ ભુજ ખાતે ‘નિઃશુલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં એઈમ્સ રાજકોટના ખ્યાતનામ અને નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓની તપાસ કરી જરૂરી તબીબી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ મેડિકલ સવારે ૮:૦૦ કલાકથી બપોરના ૨:૦૦ કલાક સુધી જી.કે. જનરલ હોસ્પિટલ, ભુજ-કચ્છ ખાતે યોજાશે.
એઈમ્સ રાજકોટ અને કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ નિઃશુલ્ક કેમ્પમાં માત્ર રોગોનું નિદાન જ નહીં, પરંતુ જરૂરિયાતમંદ દર્દીઓને તમામ દવાઓ પણ સંપૂર્ણપણે વિનામૂલ્યે આપવામાં આવશે. દર્દીઓને એક જગ્યાએ તમામ પ્રકારની તબીબી સુવિધાઓ મળી રહે તે હેતુથી આ કેમ્પમાં ન્યુરોસર્જન, યુરોલોજી, કેન્સર, જનરલ સર્જન, પ્લાસ્ટિક સર્જન, ફેફસાં, સ્ત્રીરોગ, બાળરોગ, ચામડીના રોગ, કાન-નાક-ગળા, આંખ, દાંત, જનરલ મેડિસિન અને હાડકાંના નિષ્ણાત ડોક્ટરો પોતાની સેવાઓ આપશે. આ ઉપરાંત, ડાયેટિશિયન, ફિઝિયોથેરાપી તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથી વિભાગની સારવાર પણ આ કેમ્પમાં ખાસ ઉપલબ્ધ રહેશે.
કચ્છ જિલ્લાના તમામ જરૂરિયાતમંદ નાગરિકોને આ મેડિકલ કેમ્પનો લાભ લેવા સાંસદ અને રાજકોટ એઈમ્સના સભ્યશ્રી કેસરીદેવસિંહ ઝાલા, કચ્છના તમામ જનપ્રતિનિધિશ્રીઓ, કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર અપીલ કરવામાં આવે છે. આધુનિક તબીબી સુવિધાઓ અને ઉચ્ચકક્ષાના નિષ્ણાત ડોક્ટરોની સેવાઓ આ કેમ્પમાં ઉપલબ્ધ થવા જઈ રહી છે ત્યારે જરૂરિયાતમંદ કોઈપણ નાગરિક આ સ્વાસ્થ્ય સેવાઓથી વંચિત ન રહે તે માટે બહોળી સંખ્યામાં લોકોને આ ‘નિઃશુલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પ’માં ઉપસ્થિત રહી સ્વાસ્થ્ય લાભ લેવા જાહેર અનુરોધ કરવામાં આવે છે.