ભુજ-ખાવડા હાઇવે સહિત ધોરડો અને રોડ ટુ હેવન માર્ગ પર માર્ગ સલામતીનાં પૂરતાં પગલાં ભરવા સાંસદશ્રીની રજૂઆત
અકસ્માતોનું પુનરાવર્તન ન થાય અને કચ્છની મુલાકાતે આવતા પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય તે હેતુથી સાંસદશ્રીએ
સંબંધિત તંત્રનું ધ્યાન દોર્યું છે. ખાસ કરીને રણોત્સવ નિમિત્તે ધોરડો, સફેદ રણ, રોડ ટુ હેવન ધર્મશાળા (સરહદ) તેમજ કચ્છનાં વિવિધ
ધાર્મિક અને પ્રવાસન સ્થળોની મુલાકાતે મોટી સંખ્યામાં દેશ-વિદેશના પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે ભુજ-ખાવડા હાઇવે સહિત
ધોરડો અને રોડ ટુ હેવન તરફ જતા માર્ગો વધુ સુરક્ષિત, સુવિધાજનક અને સુવ્યવસ્થિત બને તે અત્યંત જરૂરી છે.
આ સંદર્ભે સાંસદશ્રી દ્વારા સંબંધિત વિભાગોને જરૂરી પગલાં ભરવા લેખિત રજૂઆત કરવામાં આવી છે. ભુજ-ખાવડા હાઇવે
સહિત પ્રવાસન માર્ગો પર જ્યાં પણ રસ્તાઓ તૂટેલા હોય કે ખાડા હોય ત્યાં તાત્કાલિક સમારકામ કરી ખાડા પૂરવામાં આવે. માર્ગો પર
જરૂરી સ્થળોએ સ્પષ્ટ અને દિશાસૂચક સાઇન બોર્ડ લગાવવામાં આવે, જેથી પ્રવાસીઓને રસ્તા અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે. માર્ગોની
નિયમિત સફાઈ, જાળવણી અને સુશોભન કરવામાં આવે.
અકસ્માતની સંભાવના ધરાવતા બ્લેક સ્પોટ અને જોખમી વળાંકોની ઓળખ કરી ત્યાં યોગ્ય સુરક્ષાત્મક વ્યવસ્થા કરવામાં આવે. ચાંદ
ફાર્મથી ગોગા મંદિર સુધીના માર્ગ પર આવેલી ઊંચાઈવાળી જગ્યાએ સુરક્ષા માટે લગાવવામાં આવેલા બેરીકેટ પર રાત્રિના સમયે
વાહનચાલકોને સ્પષ્ટ દેખાય તે માટે રેડિયમ રિફ્લેક્ટિવ પટ્ટીઓ તાત્કાલિક લગાવવામાં આવે.
માર્ગ સલામતીના નિયમોનું પાલન થાય તે માટે પોલીસ વિભાગ અને આર.ટી.ઓ. દ્વારા નિયમિત વાહન ચેકિંગ,
ઓવરસ્પીડિંગ સામે કાર્યવાહી તથા જરૂરી ટ્રાફિક નિયંત્રણ કરવામાં આવે. પ્રવાસીઓની અવરજવર વધુ રહેતા માર્ગો પર જરૂરી ચેતવણી
સૂચનાઓ, રાત્રિ પ્રકાશ વ્યવસ્થા અને સુરક્ષા સંબંધી અન્ય સુવિધાઓ, પાર્કિંગ ઝોન, યાત્રિકો માટે બેચ સુવિધા ઊભી કરવામાં આવે.
સાંસદશ્રીએ ભારપૂર્વક જણાવ્યું છે કે કચ્છ જિલ્લો પ્રવાસન ક્ષેત્રે દેશ અને દુનિયામાં વિશેષ ઓળખ ધરાવે છે. દર વર્ષે લાખો
પ્રવાસીઓ કચ્છના રણોત્સવ અને ધાર્મિક સ્થળોની મુલાકાતે આવે છે. આવા સંજોગોમાં પ્રવાસીઓની સુરક્ષા અને સુવિધા એ તંત્રની
પ્રાથમિક જવાબદારી છે. માર્ગ અકસ્માતમાં નિર્દોષ નાગરિકોના અમૂલ્ય જીવ ન જાય તે માટે માર્ગોની ગુણવત્તા, યોગ્ય સાઇન બોર્ડ,
રેડિયમ પટ્ટીઓ અને ટ્રાફિક નિયમોનું કડક પાલન થાય તે માટે સંબંધિત તમામ વિભાગો તાત્કાલિક અસરથી સંકલન કરી જરૂરી
કાર્યવાહી કરે તેવી સાંસદશ્રીએ માંગણી કરી છે.
કચ્છના માર્ગો સુરક્ષિત બને, પ્રવાસીઓનો પ્રવાસ સુખદ અને સલામત રહે તથા ભવિષ્યમાં આવી દુઃખદ ઘટનાઓ અટકે તે જ
આ રજૂઆતનો મુખ્ય હેતુ છે. હાલમાં વેકરીયા રણ, તેમજ આ વિસ્તારોમાં ગમખ્વાર અકસ્માતો થતાં ઘણા લોકો હતાહત થાય છે.
દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સાંસદશ્રીએ ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.