ભુજ સ્વામિનારાયણ મંદિરમાં તુલસી વિવાહ પ્રસંગની ઉજવણી

દેવઊઠી એકાદશીનું ખૂબ જ મહત્વ છે કહેવાય છે કે, ચાતુર્માસ દરમ્યાન ભગવાન આ દિવસે નિદ્રાસન માંથી જાગતા હોય છે, અને ત્યારબાદ જ હિન્દુ ધર્મના તમામ પ્રકારનાં ધાર્મિક કે સંસારીકાર્યો કરવામાં આવતાં હોય છે. આ પરંપરા આદિકાળથી ચાલી આવે છે, આ દિવસ થી તુલસી વિવાહ નો પ્રારંભ થાય છે આ વિવાહ નું અનેરું મહત્ત્વ છે. ખાસ કરીને તુલસી વિવાહ પ્રસંગ વૈષ્ણવ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજે પણ મહોત્સવ ના ભાગ રૂપે ઉજવવામાં આવે છે,
આજરોજ ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત શ્રી ભગવત્ જીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, વહીવટી કોઠારી સંત શ્રી. દેવપ્રકાશદાસજી, કોઠારી સ્વામી શ્રી. નારાયણમુનિદાસજી, શ્રી. દેવવિહારી દાસજી આદી વડીલ સંતો ની પ્રેરણા અને આશીર્વાદથી ભુજ મંદિર ખાતે શાસ્ત્રોક્તવિધિ સાથે તુલસી વિવાહ નો પ્રારંભ સવારે ગૃહ શાંતિ, મંડપરોપણ વિગેરે કાર્યક્રમ થી થયો હતો. તુલસી વિવાહ મહોત્સવ ના વરપક્ષે ઠાકોરજી ના યજમાન તરીકે કે પ્ર.ભ. કૈલાશભાઈ પઢારિયા જ્યારે કન્યા પક્ષે માતાજી ના યજમાન તરીકે માધાપર ના રમીલાબેન નીતિનભાઈ ઠક્કર પરિવારે લાભ લીધો હતો.
તુલસી વિવાહ મહત્વ સમજાવતાં ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામી કપિલદાસજીએ જણાવ્યું હતું કે, દિવાળી પર્વ બાદ આવતી એકદાશીને દેવઊઠી એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ થી ધાર્મિક ઉત્સવોનો પણ પ્રારંભ થાય છે. સૌ પ્રથમ તુલસી વિવાહની ધામધૂમથી ઉજવવામાં ઉજવણી કરવામાં આવે છે. કે આદિકાળથી માનવામાં આવે છે કે, પ્રભુનાં લગ્ન બાદ જ સંસારમાં પણ લગ્નની શહેનાઈ ગુંજ થી પ્રભુતામાં પગલાં પાડે છે. આ ઉત્સવનું અનેરું મહત્ત્વ એ છે કે, તુલસી વિવાહનો ઉત્સવ ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉજવવામાં આવતો હોઈ આ તમામ મંદિરોમાં એકાદશી બાદ ક્રમશઃ પૂનમ સુધી તુલસી વિવાહને ધાર્મિકવિધિ પૂર્વક ઉજવવામાં આવે છે.
આ ઉત્સવ ભક્તોને પણ પ્રિય છે, કારણ કે, તેમાં જે રીતે સંસારમાં લગ્ન થાય છે, એટલે કે પહેલા મંડપ મૂહૂર્ત, ગૃહ શાંતિ, વરઘોડો અને ત્યારબાદ હસ્તમેળાપ તથા ફેરા સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવતાં હોય છે. પરિણામે ભક્તો આ તમામ લગ્નવિધિમાં ઉત્સાહભેર જોડાય છે. જાણે કે પોતાનાં આંગણે જ લગ્નોત્સવની ઉજવણી કરવામાં આવી રહી હોય તેવા ભાવ સાથે ઉજવણીમાં સામેલ થતાં હોય છે. આ તુલસી વિવાહ મહોત્સવ અંતગર્ત સાંજે વરઘોડો અને હસ્ત મેળાપ પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. વર પક્ષ અને કન્યા પક્ષ બંને યજમાનોનાં ઘરે સંતો અને ઠાકોરજીની પધરામણી કરવામાં આવ્યા બાદ સાંજ લાલન કોલેજ પાસેથી ઠાકોરની વાજતે-ગાજતે નગરયાત્રા નીકળી હતી. જે સ્વામિનારાયણ મંદિર પહોંચી હતી, જ્યાં ભૂદેવો એ શાસ્ત્રોકતવિધિ પ્રમાણે ઠાકોરજી ના લગ્ન વિધિવિધાન સાથે યજમાનો કન્યાદાન અને મંડપ ફેરા સમયે બંને પક્ષ ના બહેનો ભાઈઓ લગ્ન ગીતો અને ફટાણા ના સૂરો લહેરાવ્યા હતા. બહોળી સંખ્યામાં ભક્તજનો વિવાહ અને ભોજન પ્રસાદ વિગેરે પ્રસંગો માં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે વ્યવસ્થા કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક – યુવતી અને મહિલા મંડળે સંભાળી હતી…