કચ્છમાં ‘પા પા પગલી’ અંતર્ગત કેરા કુંદનપર ખાતે બાળ મેળો અને કિશોરી મેળો ઉત્સાહભેર યોજાયો

મહિલા અને બાળ વિકાસ વિભાગના સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણના ‘પા પા પગલી’ પ્રોજેક્ટ હેઠળ કચ્છ જિલ્લામાં તા. ૨૫/૧૧/૨૦૨૬ના રોજ શ્રી કેરા કુંદનપર લેવા પટેલ ટ્રસ્ટ સંચાલિત શાળા ખાતે બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૩ થી ૬ વર્ષના બાળકો, ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓ અને ૧૯ ઘટકના કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

બાળ મેળાની સાથે સાથે કિશોરીઓ માટેના ખાસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કિશોરીઓને આરોગ્ય, શિક્ષણ, આઇ.ટી.આઇ., બેંક અને પોસ્ટ ઓફિસ અંગેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે સવિસ્તાર સમજૂતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, સાંસદશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી,  જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનશ્રી, સહિત જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ સદસ્યશ્રીઓ વગેરે મહાનુભવો ગરિમામય ઉપસ્થિતિ રહ્યા હતા અને સહભાગીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો અને કિશોરીઓની સુષુપ્ત શક્તિઓને ખીલવી તેમનો સર્વાંગી વિકાસ સાધવો, કિશોરીઓને વિવિધ યોજનાઓથી માહિતગાર કરી સશક્ત બનાવવી અને વાલીઓ તથા સમુદાયનું આંગણવાડીના પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે જોડાણ મજબૂત બનાવવાનો છે.બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને તેમની પ્રતિભા અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવામાં આવ્યું. ૩ થી ૬ વર્ષના બાળકોમાં જિજ્ઞાસા અને વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવતા સરળ-સુરક્ષિત પ્રયોગો તેમજ સ્થાનિક અને લો-કોસ્ટ સાધનોમાંથી તૈયાર કરેલી શૈક્ષણિક સામગ્રી અને રમતોનું પ્રદર્શન યોજાયું.

બાળકો, કિશોરીઓ અને ઘટકના કાર્યકરોની સક્રિય ભાગીદારી, ઉપસ્થિત મહાનુભવોના માર્ગદર્શન તેમજ સુચારુ વ્યવસ્થાના પરિણામે આ કાર્યક્રમ અત્યંત આનંદમય, માહિતીપ્રદ અને સફળ રહ્યો હતો, જેનાથી બાળકોના સર્વાંગી વિકાસ, કિશોરી સશક્તિકરણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રત્યે સમુદાયમાં નવી ચેતના અને ઉત્સાહનો સંચાર થયો હતો.–