કચ્છમાં ૭૯.૧૬ લાખનું ચાઈના કલે અજાણ્યા ખનીજ ચોરો પરબારૂ ઉસેડી ગયા હોવાની ફોજદારી

રાપરના ધબડા ગામની સીમમાં સરકારી જમીનમાંથી એક સાથે ૧૦ હજાર મે.ટન ચાઈના કલે ઉપડી ગયું અને મોડે મોડે જાગેલા ખાણ ખનીજ વિભાગે અજાણ્યા શખ્સો સામે નોંધાવી ફોજદારી, કચ્છમાં ખનિજ માફિયાઓને શાસક પક્ષ ભાજપના આગેવાનોનું પીઠબળ?

કચ્છમાં ખનિજ ચોરીના અનેક કિસ્સાઓ ચર્ચામાં રહ્યા છે. તેમાંયે લખપત અને ખાસ કરીને રાપર તાલુકો અને હવે મુન્દ્રા, માંડવી ખનિજ ચોરી માટે કુખ્યાત છે. જોકે, ખૂબ બૂમ બમ અને મીડીયા આ અંગે ઢંઢોળે એટલે મોડે મોડે ખાણ ખનિજ વિભાગ પોતાની હાજરી પણ દર્શાવે છે. રાપરના ધબડા ગામે સરકારી સર્વે નંબર ૩૫૪/૧ ની જમીનમાંથી તા/૧૭/૯ પહેલાં ૯૫૪૫.૯૦ અંદાજે ૧૦ હજાર મે. ટન ચાઈના કલે કિંમત રૂ. ૭૯ લાખ ૧૬ હજાર ૯૦ અજાણ્યા ઈસમોએ ખોદકામ કરીને ચોરી કરી છે. રાપરના બાલાસર પોલીસ મથકમાં આ અંગે કચ્છ જિલ્લા ખાણ ખનિજ કચેરીએ પોલીસ ફરિયાદ કરી છે. જોકે, કચ્છમાં ખનિજ માફિયાઓને શાસક પક્ષ ભાજપના રાજકીય આગેવાનોનું પીઠબળ છે? પણ મૂળ વાત એ છે કે, ગાંધીનગર વાળા પણ સાંભળતા નથી. પરિણામે સરકારને કરોડો રૂપિયાની રોયલ્ટીનું નુકસાન જાય છે. નાના વાહનચાલકોને દંડ કરીને તિજોરી ભરવાનો પ્રયાસ કરનાર સરકાર મોટા ખાણ માફિયાઓને પકડે તો સરકારની તિજોરી પણ છલકાઈ જાય. વાત, રાજકીય મનોબળ સાથે કાયદાના અમલની છે.