ગઈકાલે એક જ રાતમાં સપાટો બોલાવીને પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાંચે વાગડ વિસ્તારમાં દારૂ અંગે દરોડા પાડયા હતા. બોર્ડર રેન્જ આઈજી ડી. બી. વાધેલા અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા પરિક્ષિતા રાઠોડના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કામગીરીએ વાગડમાં હડકંપ સર્જ્યો છે. પૂર્વ કચ્છ એલસીબી પી.આઇ. ડી.વી રાણા, પીએસઆઈ એન.વી.રહેવર સહિતના સ્ટાફે ભચાઉ, સામખીયાળી અને આડેસર પોલીસની હદ્દ માંથી દારૂના ત્રણ અલગ અલગ ગુના ઝડપી પાડ્યા હતા. એલસીબીએ ભચાઉના ચોપડવા પાસેથી છોટા હાથીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ ૧૦૬૮ કિ.રૂ. ૩,૭૩,૮૦૦, બિયર બોટલ ૧૧૮ કિ.રૂ. ૧૧,૮૦૦ અને છોટા હાથી કિ. રૂ. ૨,૫૦,૦૦૦ સહિત કુલ રૂ. ૬,૮૫,૬૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દરોડા સમયે શિવભદ્રસિંહ ઉર્ફે લાલો સુખદેવસિંહ જાડેજા પોલીસને ચકમો આપીને નાસી છૂટ્યો હતો. પોલીસે મોટી ચીરઈ ભચાઉના ચાર આરોપીઓ શિવભદ્રસિંહ ઉપરાંત ધીરજસિંહ હરદેવસિંહ જાડેજા, પ્રતાપસિંહ હકુભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ ચન્દ્રસિંહ જાડેજા સામે ગુનો નોંધીને વધુ તપાસ ભચાઉ પોલીસને સોંપી છે. તો, બીજા દરોડામાં સામખીયાળી ટોલ નાકા પાસેથી મારુતિ અલ્ટો કારમાં રૂ. ૩૭,૮૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૧૦૮ બોટલ ઝડપી પાડી હતી. પૂર્વ કચ્છ એલસીબીએ ૩ લાખની કાર, ૩ હજારના બે મોબાઈલ ફોન, કાર સાથે દારૂ એમ કુલ મળીને ૩,૪૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે કુલ ૫ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જે પૈકી એક આરોપી ઝડપાયો છે. જેનું નામ શોકતઅલી બરકતઅલી પઠાણ, રહે. સિતારા ચોક, ભીડ ગેટ, ભુજ છે. બીજા ચાર ગુનેગારો ઝડપાયા નથી તેમના નામ વહાબ જુસબ મેમણ, રહે. સિતારા ચોક, ભીડ ગેટ, ભુજ, પીરા જોધા ભરવાડ, ગાગોદર, રાજેશ બલદેવ ખોડ, મહેબૂબ બાબુ મીર, રાપર છે. આ ગુનાની વધુ તપાસ સામખીયાળી પોલીસને સોંપાઈ છે. જ્યારે ત્રીજા બનાવમાં પૂર્વ કચ્છ એલસીબીની ટીમે આડેસર પાસે વરણું માતાજીના મંદિર પાસે મારુતિ સુઝુકી કાર નંબર જીજે ૦૩ ડીડી ૫૮૩૮ માંથી ૧૭૯ બોટલ દારૂ કિ. રૂ. ૬૬,૧૦૦ અને કાર કિ. રૂ. ૫૦,૦૦૦ કુલ મુદામાલ રૂ. ૧,૧૬,૦૦૦ સાથે અકબર આલુ મોવાર રહે. માળીયા, મોરબી, મૂળ રતનપરા, સુરેન્દ્રનગર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આ ગુનામાં પોલીસે હરેશ રબારી નામના શખ્સ વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધી છે. આ ગુનાની વધુ તપાસ આડેસર પોલીસને સોંપાઈ છે. પૂર્વ કચ્છનો વાગડ વિસ્તાર વિદેશી દારૂના કટિંગ પોઇન્ટ તરીકે ફરી એકવાર ચર્ચામાં છે.