કચ્છ આરોગ્ય શાખાને રાષ્ટ્રીય સ્તરનો સ્કોચ એવોર્ડ એનાયત

મુન્દ્રા, તા.૨૬: વ્યાપક જન સમુદાયને સકારાત્મક લાભો પહોંચાડવા સક્ષમ અને પ્રેરણાદાયક પ્રોજેકટને રાષ્ટ્રીય સ્તરે સ્કોચ એવોર્ડ આપવમાં આવે છે. સ્કોચ ગ્રૂપ દ્વારા આયોજિત વર્ષ 2019ના આ એવોર્ડ માટે કચ્છ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા તરફથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે રજૂ કરેલા ઇ હેલ્થ, સોનોગ્રાફી અને બાલસખા-3 પ્રોજેકટને તાજેતરમાં દિલ્હી ખાતે સ્કોચ એવોર્ડ એનાયત કરીને સન્માનવામાં આવ્યા હતા. વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ જ મોટા અને અંતરિયાળ વિસ્તારને આવરતા કચ્છ જિલ્લાના છેવાળાના માનવી સુધી આરોગ્ય સેવાઓ મળી રહે એવી ત્રણ કલ્યાણકારી યોજનાઓ જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીના પ્રેરણાદાયી માર્ગદર્શનને લીધે જ શકાય બની હોવાનું જણાવી ડો. કન્નરે આભારની લાગણી વ્યક્ત કરતા કચ્છ જિલ્લા માટે આ ખૂબ મોટા ગૌરવની ઘટના હોવાનું જણાવ્યું હતું. નવજાત શિશુ મૃત્યુદર ઘટાડવા ખાનગી બાળરોગ નિષ્ણાંતને સાંકળતી બાલસખા-3 યોજના અંતર્ગત બાળકની સારવાર માટે 49 હજાર સુધીનો ખર્ચ સરકાર દ્વારા ચુકવવામાં આવે છે. જ્યારે સગર્ભાવસ્થા દરમ્યાનથી જ  બાળકનો યોગ્ય વિકાસ થાય છે કે નહીં તે જોવા તમામ સગર્ભા માતાઓની સોનોગ્રાફી તપાસ નિઃશુલ્ક કરી આપવામાં આવે છે આ અંતર્ગત ખાનગી સ્ત્રી રોગ નિષ્ણાંત અને રેડીયોલોજીસ્ટ સાથે  સંકલન કરીને અત્યાર સુધીમાં 64544 સગર્ભાની તપાસ કરવામાં આવી છે. ઉપરાંત ઇ હેલ્થ અંતર્ગત આરોગ્ય સ્ટાફના જ્ઞાનમાં વૃધ્ધિ થાય અને એ થકી લોકોને ગુણવત્તા સભર સેવાઓ મળી રહે તે માટે સમયાંતરે ઓનલાઇન પરીક્ષાનું આયોજન કરીને મૂલ્યાંકન કરવામાં આવે છે. લોકોપયોગી અને લોકજીવનમાં પરિવર્તન લાવનારા આ પ્રોજેકટ અને એવોર્ડ માટે આરોગ્ય ખાતાને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.