ભુજના જુના એસટી બસ સ્ટેશન પાસે દબાણ હટાવ કામગીરીને પગલે ધમધમાટ

ભુજના જુના એસટી બસ સ્ટેશન પાસે જિલ્લા ટ્રાફિક પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલ દબાણ હટાવ ઝુંબેશને પગલે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સવારે ૧૧ વાગ્યે સજ્જડ પોલીસ બંદોબસ્ત સાથે દબાણકારોને સૂચના અપાતાં સૌએ પહેલા પોતપોતાની રીતે લારી ગલ્લા, રેંકડી અને દુકાનોની બહાર નાખેલા છાપરા સહિતના દબાણો હટાવવાનું શરૂ કર્યું હતું. જુના એસટી બસ સ્ટેશનને ફરતો દબાણકારોના ભીડો દિન પ્રતિદિન વધી રહ્યો હોઇ આ સંબધિત વ્યાપક લોક ફરિયાદો હતી. જિલ્લા મથક ભુજ શહેરમાં દબાણોએ માઝા મુકતા વાહન ચાલકો તો શું રાહદારીઓ પણ રસ્તા પર ચાલવામાં હાલાકીનો સામનો કરી રહ્યા છે. શહેરમાં આડેધડ ખડકાયેલા દબાણો દૂર કરવા લાંબા સમયથી ઉઠી રહેલી માંગ બાદ અંતે આજે ઘર્ષણ વચ્ચે દબાણ હટાવ ઝુંબેશના શ્રીગણેશ થયા હતા. છેલ્લા થોડા વર્ષોથી શહેરમાં દબાણ પ્રવૃત્તિ જોર મળ્યું હોઈ વર્તમાને શહેરના મોટા ભાગના માર્ગો અને ફૂટપાથો દબાણકારોના કબજામાં આવી ગયા છે. જિલ્લાના અન્ય વિસ્તારોમાં હાથ ધરાયેલી દબાણ હટાવ ઝુંબેશ બાદ ભુજમાં પણ આ પ્રકારની કામગીરી હાથ ધરવા માંગ ઉઠી રહી હતી, ત્યારે અંતે આજથી શહેરમાં દબાણો દુર કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભુજ નગરપાલિકા, ભાડા તેમજ પ્રાંત કચેરી દ્વારા સંયુક્ત રીતે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ છે. હરહંમેશની માફક આજે પણ જુના બસ સ્ટેશન પાસેથી દબાણ હટાવની કામગીરી આરંભાઈ હતી