એક બાજુ કચ્છમાં આગ ઝરતી ગરમી છે. બીજી બાજુ વરસાદની આગાહી છે. તે વચ્ચે એકાએક ગઈકાલ સાંજથી મોસમનો મિજાજ બદલાયો છે અને કાંઠાળ પટ્ટી સિવાયના ગામોમાં પણ ભાદરવાના ભુસાકાની અસર વરતાઈ રહી છે. ગઈકાલે રાપર પંથકમાં બે ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી ગયો હતો. સાંજ પછી બદલાયેલા મોસમના મિજાજે રાપરના પ્રાંથળ વિસ્તારમાં વરસાદની મહેર કરાવી દીધી હતી. ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જેને પગલે ક્યાંક ક્યાંક ઉભા પાકને નુકસાન પણ થયું હતું. બીજી બાજુ ભચાઉ, અંજાર, ભુજ, મુન્દ્રામાં પણ મોસમનો મિજાજ બદલાયો હતો. જોકે, ભચાઉ ભુજમાં ઝાપટા પડ્યા હતા. પણ, મુન્દ્રા અંજારને જોડતા ગામોમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે અન્યત્ર ઝાપટા પડ્યા હતા. આજે પણ સવારથી જ કચ્છમાં આકાશ ગોરંભાયેલું છે. આમ તો, ૨૯ તારીખ સુધી વરસાદની આગાહી છે .