ગાંધીધામ હાઇવે ઉપર આવેલઙ્ગ નવરત્ન રેસિડેન્સીમાં લાકડાના વ્યાપારી પ્રતીક જૈનને ત્યાં થયેલ ૧૪.૫૧ લાખની ચોરીનો ભેદ પોલીસે કલાકોમાં ઉકેલી લીધો છે. પીઆઇ બી.આર.પરમાર અને સ્ટાફે કડક નિગરાની રાખીને પ્રતીક જૈનને ત્યાં કામ કરતી નોકરાણી શીતલની આકરી પૂછપરછ કરતાં તે ભાંગી પડી હતી. મકાનમાલિક બહારગામ ગયા છે એવી માહિતી તેણે પોતાના પ્રેમી એવા બોયફ્રેન્ડ રાજેશ ડુંગર આહીર (જેર) ને આપી હતી. પહેલા ગાંધીધામ રહેતો અને હાલે પાટણમાં રહેતા રાજેશની આર્થિક હાલત ખરાબ હતી, તે જાણીને શીતલે તેને આ માહિતી આપી હતી. ત્યારબાદ રાજેશ તેના મિત્ર ફુલા રાણા આહીર (જેર) સાથે અહીં આવ્યો હતો અને બન્ને રાજેશ તેમ જ ફુલાએ આ ચોરીને અંજામ આપ્યો હતો. પૂર્વ કચ્છ ડીએસપી પરીક્ષિતા રાઠોડે પત્રકાર પરિષદ દરમ્યાન બન્ને આરોપીઓની ધરપકડ કરાઈ હોવાની અને તેમની પાસેથી ૯.૮૩ લાખના દાગીના ઉપરાંત રોકડ જપ્ત કરાઈ હોવાની માહિતી આપી હતી.