ટાઢ હોયકે તડકો પછી ભલેને હોય વરસાદ મારે માતાના મઢ જાવું છે

નવલા નોરતા આવ્યા નવરાત્રી આવે એટલે માતાના મઢ ના દર્શન કરવા લોકો પગપાળા માને મસ્તક નમાવવા નીકળે છે. આ વર્ષે કચ્છમાં વરસાદ સારો પડ્યો છે અને હજુ પણ વરસાદ કેડો મુકતો નથી. હાલ પદયાત્રીઓ પગપાળા માતાના મઢમાં આશાપુરાના દર્શને ત્રણ દિવસ થયા નીકળ્યા છે પણ વરસાદ ચાલુ જ છે. પદયાત્રાળુઓનો પ્રવાહ પણ અવિરત છે. સવારના ભાગે ગરમી જેવો માહોલ અને બપોર પછી વરસાદ ચાલુ થઈ જાય છે. પણ માતાના મઢ જતા યાત્રાળુઓ કહે છે કે ટાઢ હોયકે તડકો કે હોય વરસાદ અમારે માતાના મઢ જવું છે.ભુજથી બંને બાજુએ હાઇવે પરથી જતા પદયાત્રાળુને બપોર પછી વરસાદ નડતર રૂપ થઈ રહ્યો છે. યાત્રાળુઓ પોતાની શ્રધ્ધા અતુટ રાખીને આગળ વધી રહ્યા છે. એવીજ રીતે આજે પણ વરસાદ પડ્યો હતો. વરસતા વરસાદમાં પણ ચાલી રહ્યા છે. વરસાદ પડે એટલે યાત્રાળુઓ સલામત રહી શકાય એવી જગ્યાએ ઉભા રહી જાય છે જેવો વરસાદ બંધ થાય એટલે રવાના થઈ જાય છે.ભુજ તાલુકાની આહિરપટ્ટીમાં મેઘો ધોધમાર વરસી પડતા ભુજ-ભચાઉ ધોરીમાર્ગના આશાપુરા માતાજીના દર્શનાર્થે જતા પદયાત્રિકોના સેવાકેમ્પોમાં રીતસરના પાણી ભરાયા હતા. કેમ્પમાં પાણી ભરાતા મોટરથી પાણી ઉલેચાયા હતા, છતાંય સેવા અવિરત ચાલુજ રહી હતી.પગપાળા નીકળેલા આસ્થળુઓને વરસાદનું વિઘ્ન નહિ નડે. કદાચ ઠંડી પડવાથી બીમાર પણ પડ્યા તો તેમની આરોગ્યની ચિંતા કરવાની અમારી જવાબદારી છે. મઢવાળી મા બધાને દર્શન આપશે.