કચ્છની ગ્રામીણ મહિલાની કાનૂની લડત બાદ તબીબી સેવાની ખામી ગણી કુટુંબ નિયોજન યોજના હેઠળ લીધેલ વિમાની રકમ ચૂકવવા હુકમ નસબંધીનું ઓપરેશન કરાવ્યા બાદ પણ ગર્ભવતી થયેલ કચ્છની બન્નીના ગ્રામીણ મહિલાને લાંબી કાનૂની લડત લડ્યા બાદ જીત મળી છે અને તેમની માંગણી મુજબ વળતર ચૂકવવાનો આદેશ ભુજની ગ્રાહક અદાલતે કર્યો છે. ભુજના બન્ની વિસ્તારના ગોરેવાલી ગામના કોરાબેન ભારમલે સરકારી કુટુંબ નિયોજન યોજના તળે સરકાર દ્વારા અપાઈ રહેલ આઇસીઆઇસીઆઇ અકીલા લોમ્બાર્ડ કંપનીના વીમા કવચ હેઠળ નસબંધીનું ઓપરેશન કરાવ્યું હતું. પરંતુ, ફેબ્રુઆરીના ૨૦૧૦ માં કરાવાયેલ કુટુંબ નિયોજનના ઓપરેશન પછી પણ કોરાબેને ગર્ભ ધારણ કરતાં આ અંગે તેમણે ફરિયાદ કરી હતી. સરકાર કક્ષાએ મુખ્યમંત્રી સુધી રજુઆત કરી હતી. પણ, ત્યાંથી દાદ મળી નહોતી. જોકે, આ ગ્રામીણ મહિલાએ કાનૂની માર્ગ અપનાવીને ગ્રાહક અદાલત દ્વારા કાયદા હેઠળ લડાઈ આદરી હતી. દાવો દાખલ કરાયા બાદ વીમા કંપની આઇસીઆઇસીઆઈ લોમ્બાર્ડ દ્વારા છેક ત્રણ વર્ષે ગ્રાહક અદાલતને જવાબ અપાયો હતો. લાંબી કાનૂની લડત બાદ આ સમગ્ર કિસ્સામાં ભુજની ગ્રાહક અદાલતે નસબંધીનું ઓપરેશન કરવામાં સરકારી જીકે જનરલ હોસ્પિટલ, જિલ્લા પંચાયત કચ્છની સરકારી તબીબી સેવામાં ખામી માની હતી . તો વીમા કંપની આઇસીઆઇસીઆઈ લોમ્બાર્ડ દ્વારા અનફેર ટ્રેડ પ્રેકિટસ આપનાવાઈ હોવાનું માનીને લાભાર્થી મહિલાને વીમાના વળતરની રકમ વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા આદેશ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી મહિલાના વકીલ તરીકે રાજેશ પ્રેમજીભાઈ ઠકકર, વિક્રમ વેલજીભાઈ ઠકકર અને હાર્દિક એન. જોબનપુત્રાએ દલીલો કરી હતી.