અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘મહા’ વાવાઝોડું કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં અસર કરી રહ્યું છે. કચ્છના અબડાસા, નખત્રાણા, મુન્દ્રા સહિતના તાલુકાઓમાં બે ઈંચ સુધી વરસાદ ખાબક્યો છે. જેમાં અબડાસા તાલુકાના નલિયામાં અને મુન્દ્રા તાલુકાના કણજરા ટપ્પર વિસ્તારમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. હજુ પણ જિલ્લાના અન્ય વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પડી રહ્યો છે ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશ કુમારે કહ્યું કે, વાવાઝોડાંની વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થવાની છે પણ કચ્છમાં તેની અસર હેઠળ 50થી 60 કિલોમિટરની ઝડપે પવન ફુંકાશે. જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં 6 અને 7 નવેમ્બરના હળવાથી મધ્યમ વરસાદ વરસશે. કાંઠાળ પટ્ટામાં વરસાદનું જોર થોડું વધુ રહેશે. આ સિસ્ટમ ગુજરાત નજીક પહોંચશે ત્યારે દરિયામાં પણ ઉંચા મોજા ઉછળશે.