ફસાયેલા 450 કરોડ માટે કચ્છીઓ મક્કમ

અન્ય કરતા વધુ વળતર આપવાની બાહેંધરી આપી ભારતભરમાંથી હજારો કરોડ રૂપિયા એકઠા કરી કંપનીએ પરત ન આપતા કચ્છના જ અંદાજે સાડા ચારસો કરોડ રૂપિયા રોકાણકારોના ફસાયા છે. જે પરત મેળવવા એજન્ટો પણ ઘણા સમયથી પ્રયત્નશીલ છે. આ જ સંદર્ભે ભુજમાં રાજેન્દ્ર પાર્ક ખાતે એક મિટિંગ ભરાઈ હતી, જેમાં કોર્ટના હુકમ બાદ પણ ત્વરિત કાર્યવાહી ન થવા બાબતે અમદાવાદ ખાતે સેબી સામે દેખાવો કરવા એક લાખ લોકો કે જેઓ ભોગ બનેલા હોય તેઓ જોડાશે.
33 વર્ષથી એસ્ટેટ ક્ષેત્રે રોકાણ કરતી કંપની પર્લ્સ એગ્રોટેક કોર્પોરેશન લિમિટેડમાં લોકોના હજારો કરોડ રૂપિયા ફસાયા છે.
જે અંગે સુપ્રીમ કોર્ટે રીટાયર્ડ જસ્ટિસ આર.એમ.લોઢાની કમિટી બનાવી જેમણે સીબીઆઈ અને સેબી દ્વારા કંપનીની જપ્ત કરવામાં આવેલી મિલકત વેંચી રોકાણકારોના પૈસા પરત આપવા હુકમ કર્યો હતો. જેને આજે ત્રણ વર્ષ થયા બાદ પણ લોકોને રકમ ન મળતા હવે સેબી સામે દેખાવો કરવા નિર્ણય લીધો હતો. ભુજમાં એકઠા થયેલા એજન્ટોને સંબોધતા 20 વર્ષથી કંપની સાથે જોડાયેલા અને અત્યાર સુધી અનેક એજન્ટો બનાવી કરોડોનું રોકાણ કરાવનાર પી.વી.પરમારે જણાવ્યું હતું કે, આક્રમક બનવાથી રોકેલા પૈસા પાછા નહિ મળે. માટે જલદ કાર્યક્રમ આપવા કરતાં આપણો સંપ સેબીને બતાવવાનો છે, તેમજ સંખ્યાબળ હશે તો ચોક્કસ પરિણામ આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. કચ્છમાં અંદાજે 20 હજારથી વધુ એજન્ટો છે, તેમજ અઢી લાખથી વધુ રોકાણકારોના સાડા ચારસો કરોડ જેટલી રકમ ફસાયેલી છે. કંપની દ્વારા 60 હજાર કરોડથી વધુ રકમ એકત્ર કરાઈ છે. જે પરત કરવા સેબી દ્વારા 2014 ના ઓગષ્ટ મહિનામાં જ હુકમ કરાયો છે. પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.
કચ્છમાં અંદાજે સાડા ચારસો કરોડ ફસાયા છે, ત્યારે નાના વર્ગના મહેનતના પૈસા પરત મેળવવા એકઠા થયેલા એજન્ટોએ સિનિયરને એવા સવાલ પણ પૂછયા હતા કે, 2014 માં જ કંપની ની 29 હજાર મિલકત ટાંચમાં લેવાઈ છે જેની કિંમત રોકાણ કરતા દસ ગણી આંકવામા આવી છે, ત્યારે શા માટે વેંચીને લોકોને પૈસા પરત નથી કરાતા. હાલ જે ચૂકવાયા તે માત્ર 2500 ની મર્યાદા માં રોકાણ હોય તેમને જ ચૂકવાયા છે.