રાપર તાલુકાના નંદાસર ગામની સીમમાં ચાલી રહેલી ખનીજચોરી પર પુર્વ કચ્છની એલસીબીએ ત્રાટકીને હિટાચી, ડમ્પર સહિતની મશીનરી જપ્ત કરી આ અંગે બેની અટક કરી હતી. ખાણ ખનીજ વિભાગને આ અંગે જાણ કરાતા બે અલગ ઘટનાઓમાં કુલ 30 લાખ જેટલો દંડ કરવામાં આવ્યો હતો. પુર્વ કચ્છની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમેરાપર પોલીસ સ્ટેશનની હદમાં આવતા નંદાસર ગામની સીમમાં ત્રાટકીને હિટાચી મશીન વડે ચાઈના ક્લેનું ગેર કાયદેસર ઉત્ખનન કરતા ભોજાભાઈ લગધીરભાઈ ચૌધરી (રહે. રાપર) ને ઝડપી પાડ્યા હતા. મશીન સીઝ કરીને આ અંતે ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરતા તેમના પર 12,57,906નો દંડ ફટકારાયો હતો. આવીજ રીતે સીમમાં જીજે 12 એયુ 8941 ડમ્પર 13,140 કિલો ભરેલું ચાઈના ક્લે ભરેલુ અને એક ખાલી ડમ્પર જીજે 12 એયુ 7003 તેમજ હિટાચી મશીન ગેરકાયદેસર ઉત્ખનન કરતા મળી આવ્યા હતા. જે સાથે જયેશભાઈ બળદેવભાઈ રાજગોર મળી આવતા વિભાગને રિપોર્ટ કરતા 17,15,424 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કામગીરીમાં એલસીબી પીઆઈ ડી.વી. રાણા, પીએસઆઈ અને સ્ટાફ જોડાયો હતો.