છત્તીસગઢ નગર નિગમની ચૂંટણીમાં બે કચ્છી વિજેતા

તાજેતરમાં યોજાયેલી છત્તીસગઢ નગર નિગમની ચૂંટણીનું પરિણામ જાહેર થતાં રાયપુર અને બાલોદ પાલિકામાં ભાજપ તરફથી ઉભેલા મૂળ કચ્છના પાટીદાર ઉમેદવાર વિજેતા થયા હતા.
રાયપુર વોર્ડ નં. 13 (રાજીવનગર)માં ભાજપના ઉમેદવાર મૂળ નખત્રાણાના તિલક કેશરાણીએ કોંગ્રેસના હરીફને 1736 મતની સરસાઇથી પરાસ્ત કર્યા હતા. બાલોદ વોર્ડની ચૂંટણીમાં મૂળ વિથોણના રાજુભાઇ મણિભાઇ રૂડાણીએ તેમના પ્રતિસ્પર્ધી મોટી વિરાણીના રામજી વિશ્રામ માકાણીને 220 મતની લીડ સાથે પરાજય આપ્યો હતો. કચ્છી પાટીદાર ઉમેદવારોએ રાયપુર અને બાલોદ ઉપરાંત રાજનંદગાંવ, બિલાસપુર, જગદલપુર અને બાલોદા નગર પાલિકામાં ભાજપ અને કોંગ્રેસ તરફથી ઝુકાવ્યું હતું જેમાં ભાજપના આ બે ઉમેદવાર વિજયી થયા હતા.
ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢના પાટનગર રાયપુરમાં રાજકીય ક્ષેત્રે કચ્છી પાટીદારોનો દબદબો રહ્યો છે. અહિના દેવજીભાઇ સામાણી સતત ત્રણ વખત ભાજપની સીટ પર અગાઉ ચૂંટાયા છે. આ પરિણામોએ કચ્છમાં રહેતા પાટીદારોમાં પણ ભારે ઉત્તેજના જગાવી હતી.