રાજ્ય સરકારના ગુજરાત જમીન વિકાસ નિગમની વલસાડ જિલ્લાના ધરમપુર કચેરીના તત્કાલીન મદદનીશ નિયામક (હાલ સસ્પેન્ડ) પ્રવીણકુમાર પ્રેમલનું ખેત તલાવડી, પાણીના ટાંકા તેમજ સીમ તલાવડી સહિતની વિવિધ સરકારી યોજનાનાં કૌભાંડમાં એસીબી દ્વારા ધરપકડ કર્યા બાદ અપ્રમાણસર મિલકત સંબંધી હાથ ધરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રવીણકુમાર પ્રેમલે તેની ૨૦૦૮થી ૨૦૧૮ના દસ વર્ષના સમયગાળામાં પોતાની સત્તાનો દુરપયોગ કરી કુલ રૂ. ૧૦.૫૪ કરોડથી વધુની અપ્રમણસર મિલકત વસાવી હોવાનું બહાર આવ્યું છે. જે તેની કાયદેસરની આવકની સરખામણીમાં ૨૦૧.૬૨ ટકા વધારે છે. એસીબીએ પ્રવીણકુમાર પ્રેમલની સાથે તેની પત્ની અને પુત્ર સામે ગુનો દાખલ કર્યો છે.એસીબી દ્વારા પ્રવીણકુમાર પ્રેમલ સામે અપ્રામણસર મિલકત અંગે તપાસમાં દસ્તાવેજી માહિતી, પરિવારના નામે આવેલી સ્થાવર જંગમ મિલકત, બેન્ક સ્ટેટમેન્ટની માહિતી એકત્ર કરવામાં આવી હતી. પ્રવીણકુમાર પ્રેમલે સન ૨૦૦૮થી ૨૦૧૮ના સમયગાળામાં કાયદેસરની આવકના પ્રમાણમાં રૂ. ૧૦,૫૪,૫૭,૪૧૭મની વધુ અપ્રમાણસર મિલકતો વસાવી હોવાનું બહાર આવ્યું છે. જેની કાયદેસરની આવક કરતા ૨૦૧.૬૨ ટકા વધુ છે. પ્રવીણકુમારની ગેરકાયદે રીતે રસમો અપનાવવામાં તેના પુત્ર ચિરાગ અને પત્ની દમયંતિબેન પણ સાથ સહકાર આપી ગુનાહિત મદદગારી કરી હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવતા એસીબીએ પ્રવીણકુમારની સાથે તેના પુત્ર અને પત્ની સામે પણ ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ ૧૯૮૮ (સુધારા કલમ ૨૦૧૮)ની કલમ ૧૩(૧), (બી), ૧૩ (૨) તથા ૧૨ મુજબ ગુનો દાખલ કર્યો છે.એસીબીની તપાસમાં પ્રવીણકુમાર પ્રેમલે ભ્રષ્ટાચાર કરવામાં માટે જાણે તમામ હદ વટાવી નાંખી હતી. વલસાડના ધરમપુર ખાતેની નોકરીનાં દસ વર્ષમાં જ સરકારની યોજનામાં ખુલ્લેઆમ લૂંટ ચલાવી હતી. આ રીતે કુલ રૂ. ૧૦.૫૪ કરોડની બેનામી મિલકત વસાવી હતી જેમાં બીએમડબ્લ્યુ જેવી લક્ઝરીયુસ કાર, ફલેટ, ખેતીની જમીન, દુકાનો, રેસ્ટોરન્ટ, પ્લોટ મળી કુલ ૩૨ મિલકતો વસાવી હતી.પ્રવીણકુમાર ધરમપુર ખાતે ફરજમાં હતો તે વખતે સરકારની વિવિધ યોજનામાં ભ્રષ્ટાચાર કરવા માટે તેના પરિવારને પણ સામેલ કર્યો હતો. ખેત તલાવડી, સીમ તલાવડી, પાણીના ટાંકાની કામગીરી કરવા ગેંગલીડર નીમવાની સત્તા જે તે ફિલ્ડ આસિસ્ટન્ટ- ફિલ્ડ સુપરવાઈઝરને હોય છે. છતાંયે પ્રવીણકુમારે તેના પુત્ર ચિરાગને ગેંગલીડર તરીકે બતાવી જી.એલ.ડી.સીની વિવિધ યોજનાં કામોની કામગીરી કરેલાનું દર્શાવ્યું હતું અને બિલો રજુ કર્યા હતાં. જે બિલોના આધારે કચેરી દ્વારા બેન્ક ખાતામાં આરટીજીએસથી કુલ રૂ. ૩,૯૨,૮૬,૫૨૦ ચૂકવ્યા હતા. જે નાણામાંથી પ્રવીણકુમાર અને તેની પત્ની દમયંતીબેનના બેન્ક ખાતામાં ટ્રાન્સફર થયા હતા. અને પોતાના તથા પરિવારના નામે મિલકતો વસાવી હતી.એસીબીની ટીમે સન ૨૦૧૮માં ખેત તલાવડી કૌભાંડ ઝડપી પાડ્યું હતું. જેમાં પ્રવીણકુમાર પ્રેમલ દ્વારા ધરમપુર ખાતે ફરજ બજાવતા હતા તે વખતે મોટાભાગના ખેતરોમાં માત્ર કાગળ પર જ ખેત તલાવડીનું ચિત્ર દર્શાવ્યું હતું. તેનાં બિલો બનાવી સરકારમાં જમા કરાવી લાખો રૂપિયા ઉસેડી લીધા હતા. આ મામલે નવસારી અને વલસાડ એસીબીમાં ૨૬ ખેત તલાવડીના ગુના દાખલ થયા હતા જેમાં પ્રવીણકુમારે સરકાર પાસેથી કુલ ૨,૬૧,૬૦,૯૨૪ ઉસેડી સરકારને નાણાકીય નુકસાન કર્યું હોવાનું એસીબીની તપાસમાં ફલિત થયું હતું.એસીબીની તપાસમાં સૌથી મોટી ચોંકાવનારી બાબત એ બહાર આવી હતી કે પ્રવીણકુમાર પ્રેમલ અને તેના કુંટુંબીઓ દ્વારા તેમના જુદા જુદા બેન્ક ખાતામાં ચેક પીરીયડ દરમિયાન કુલ રૂપિયા ૪,૨૬,૭૭,૦૦૦ ની માતબર રોકડ રકમ જમા કરાવવામાં આવી હતી. જેમાંથી નોટબંધીના સમયગાળા બાદ રૂપિયા ૪૫,૭૫,૪૦૦ની માતબર રકમ જમા કરાવી હતી.પ્રવીણકુમાર પ્રેમલ ૨૬ જુલાઈ ૧૯૯૦માં નોકરી પર લાગ્યો હતો અને અમદાવાદમાં ફ્લિડ સુપરવાઈઝર તરીકે નિમણુંક આપવામાં આવી હતી પ્રથમ છોટાઉદેપુર, પાટણ, રાધનપુર, બનાસકાંઠા, ગાંધીનગર, ભુજ, દાહોદ, ધરમપુર, આહવા, વલસાડ, ધોળકા અમરેલીમાં ફરજ બજાવી છે. જે પૈકી ૧૯૯૮-૯૯માં ધોળકાના આનંદપુર કમિયાળાગામ વોટરશેડ પ્રોજેકટમાં આવતા ખેડૂતો ખાતેદારોને પ્રવાસમાં લઈ જવામાં આવ્યા ન હતા છતાંયે ફિલ્ડ આસિસ્ટન્ટ અને મદદનીશ નિયામકના મેળાપીપણામાં ખોટાં વાઉચરો બનાવી રૂપિયા ૨,૦૧,૬૦૦ ઉસેડી લીધાહતા. જે અંગે પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો.