નલિયા ખાતે તાપમાન ઘટીને ૫.૪ થયું

ગુજરાતમાં પણ જોરદાર કોલ્ડવેવની સ્થિતિ પ્રવર્તી રહી છે. કચ્છના જુદા જુદા ભાગોમાં હાલત કફોડી બનેલી છે. ઉત્તર ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં વધુ ઠંડીનો અનુભવ લોકો કરીરહ્યા છે. આજે નલિયામાં લઘુત્તમ તાપમાન ગગડીને ૫.૪ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયું હતું જેથી જનજીવન સંપૂર્ણપણે ખોરવાયું હતું. અમદાવાદમાં પણ આજે સમગ્ર દિવસ દરમિયાન જોરદાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો અને પારો ૧૧.૬ સુધી રહ્યો હતો. સુરેન્દ્રનગરમાં લઘુત્તમ તાપમાન ૯.૮ અને ડિસામાં ૯.૬ સુધી પારો રહ્યો હતો. અમરેલીમાં લઘુત્તમ તાપમાન ૮ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૪૮ કલાક દરમિયાન મોટાભાગે લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થશે નહીં અને ઠંડી અકબંધ રહી શકે છે. સૌથી વધુ કફોડી હાલત કચ્છમાં બની છે. અમદાવાદમાં ઠંડીનો ચમકારો રહેતા લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ દેખાયા હતા. ઠંડીમાં એકાએક વધારો થતાં ગરમ વસ્ત્રોના બજારમાં જોરદાર તેજી જામી છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે.હવામાન વિભાગ તરફથી ચેતવણી જારી કરાયા બાદ ઠંડીને લઈને લોકો સજ્જ છે. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાયા હતા. અમદાવાદમાં પણ કોલ્ડવેવની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. અમદાવાદમાં આવતીકાલે લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. જોકે નલિયામાં લોકોની હાલત કફોડી બનેલી છે. સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીના સકંજામાં આવેલું છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણામાં મોટાભાગના વિસ્તારોમાં પારો ત્રણથી લઇને ૫ ડિગ્રીની વચ્ચે રહ્યો છે જેથી જનજીવન ખોરવાયેલું છે. ટ્રેન અને વિમાની સેવા પણ ધુમ્મસના કારણે ખોરવાઈ ગઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આવી જ સ્થિતિ રહેશે જેમાં પોરબંદર, અમરેલી અને રાજકોટનો સમાવેશ થાય છે. અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની સ્થિતિ ઓછી જોવા મળી રહી છે. વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના સંકેત છે. હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ નીચે સરકે તેવી આગાહી વ્યકત કરાઇ છ.