Skip to content
મુન્દ્રા તાલુકાના ટૂંડા મુકામે અદાણી સંચાલિત સોલાર પ્લાન્ટના વેરહાઉસમાંથી અજાણ્યા ઉઠાવગીરો 28,73,956ના સિલ્વર પેસ્ટના 62 કિલો ગ્રામના 13 ડબ્બાઓ ચોરી ગયા હોવાની ફોજદારી ફરીયાદ મુન્દ્રા પોલીસે મથકે નોંધાઈ છે.
પોલીસ દફતરેથી પ્લાન્ટમાં પરચેઝ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી સત્યેન્દ્રકુમાર નાનકચંદ (રહે સમુદ્ર ટાઉનશીપ – મુન્દ્રા મૂળ હરીયાણા)ની ફરીયાદને ટાંકીને પ્રાપ્ત વિગતો મુજબ ઉપરોક્ત બનાવ ચોથી જાન્યુઆરીના સાંજે સાડા ચાર વાગ્યાથી સોમવારના સવારે સાડા દસ વાગ્યા દરમિયાન બન્યો હતો. ટૂંડા સ્થિત અદાણી સોલાર પ્લાન્ટની અંદર આવેલા વેર હાઉસમાં કામ કરતા કોઈ અજાણ્યા ઈસમો વેરહાઉસના સ્ટ્રોંગરૂમમાં પ્રવેશી તેમાં રાખેલ 28,73, 956ની કિંમતના 31 ડબ્બાઓમાં રાખેલું 62 કિગ્રા ઘટ્ટ પ્રવાહી રૂપી સિલ્વર (ચાંદી)પેસ્ટ ઉઠાવી ગયા હતા.
બનાવના પગલે હરકતમાં આવેલી પોલીસે ચોરી કરનાર કોઈ જાણભેદુ હોવાની આશંકા રાખી કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓની પૂછતાછ આદરી હતી. અતરંગ સૂત્રોના જણાવ્યા મુજબ ફરિયાદીએ દર્શાવેલા શકમંદોની દિશામાં પોલીસ પગેરું દબાવી રહી છે. બનાવ સંબધિત તપાસ મુન્દ્રા પીઆઇ પી.કે. પટેલ ચલાવી રહ્યાં છે . અત્રે નોંધનીય છે કે અત્યંત કિંમતી ગણાતી સિલ્વર પેસ્ટ સોલાર પેનલની બંને બાજુએ તથા પેનલને જોઈન્ટ આપતી વખતે વાપરવામાં આવે છે.