ગુજરાતની શીત નગરી તરીકે પંકાયેલા અબડાસાના મુખ્ય મથક નલિયામાં આ શિયાળાની સીઝનના લગભગ 80 દિવસમાંથી 76 દિવસ રાજ્યનું સૌથી નીચું તાપમાન રહ્યું છે. ગુરુવારે 3.4 અને શુક્રવારે 3.8 ડિગ્રી ઠંડીથી થથરી ગયેલા નલિયામાં ટાઢનું સામ્રાજ્ય કેવું છે એ ચકાસવા દિવ્ય ભાસ્કરની ટીમે શનિ-રવિની રાત્રે 11 કલાકથી પરોઢના 4 વાગ્યા સુધી મેઇન બજાર, તકિયા ચોક, બસ સ્ટેશન, કુંભાર ફળિયું જેવા મુખ્ય વિસ્તારોમાં લટાર મારી ત્યારે સર્વત્ર સુનકાર સિવાય કશું જ ન અનુભવાયું જાણે રાત્રિના સન્નાટો પણ થીજી ગયો હતો. ગત રાત્રિના ઠંડીનો પારો 4.6 ડિગ્રી હતો પણ ગામમાં 11 વાગ્યા પછી શ્રમજીવીઓ-ગરીબ લોકો તાપણું કરીને ક્યાંય બેઠેલા પણ જોવા મળ્યા ન હતા. જુદા જુદા સમયે, જુદા જુદા વિસ્તારમાં ચાર લટાર મારી એ દરમિયાન બસ સ્ટેશન પાસે પોલીસની પેટ્રોલીંગ વાન અને બે ગુરખા ચોકીદાર સિવાય એક માણસ જોવા મળ્યો ન મળ્યો, એ તો ઠીક રસ્તામાં ટુંટીયું વાળીને સુતેલા એકાદ-બે શ્વાનો સિવાય રખડતી ગાય અને કુતરા પણ ગાયબ હતા !