ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકથી માત્ર 100 મીટર જ દુર ઓલ્ફ્રેડ હાઇસ્કુલની પાછળથી એલસીબીએ દરોડો પાડી બે અલ્ટો કારમાંથી શરાબનો જથ્થો ગતરાત્રે પકડી પાડયો છે તો માનકુવા પાસેથી સ્કોર્પીયો કારમાંથી દારૂની 239 બોટલો પકડી પાડી છે. એ-ડિવિઝન અને માનકુવાની હદમાં પકડાયેલા દારૂના કિસ્સામાં કયા કર્મચારીઓનો આઇ.જી. ઓફીસે તપેલો ચડશે તે જોવાનું રહ્યું. તો ભુજના જવાનનો ભાઇ ‘રામ’ અગાઉ અનેક વખત દારૂના કેસોમાં ચોપડે ચડી ચુકયો છે.સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, એલસીબીને બાતમી મળી કે ભુજના બે બુટલોગરોનો શરાબનો જથ્થો ઓલ્ફ્રેડ હાઇસ્કુલની પાછળ પાર્ક કરાયેલી બે અલ્ટો કારમાં પડયો છે. બાતમીના આધારે ટીમના સભ્યો ઓલ્ફ્રેડ હાઇસ્કુલની પાછળ આવતા જીજે 12 એઇ 3145ની અંદર વીમલ પાન મસાલાના થેલો પડયો હતો. ગાડીના આગળનો કાચ તુટલો હોવાથી અલ્ટોનો લોક ખોલી અંદરથી વિદેશી શરાબની મેકડોવલ્સ નંબર 1 બ્રાન્ડ અને રોયલ ચેલેન્જ બ્રાન્ડની કુલ 23 બોટલ તેમજ બાજુમાં પડેલી સીલ્વર કલરની અલ્ટો નંબર જીજે 12 ડીજી 5117માં આગળનો કાચ તોડી બંને બ્રાન્ડની 72 બોટલ મળી આવી હતી. બંને અલ્ટો કિ. રૂપીયા અઢીલાખ અને 95 બોટલ શરાબ કિ.રૂા. 35,650નો જથ્થો કબ્જે કરી બુટલેગર રામ ભટ્ટ (રહે. ભુજ) અને મહેન્દ્રસિંહ ગોહીલ (રહે. ભુજ) વાળા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.તો બીજી બાજુ કચ્છ યુનિવર્સિટી પાસે બાતમી આધારે ઉભી હતી તે દરમિયાન એક શંકાસ્પદ સ્કોર્પીયો ઓવરટેક કરતા તે ફુલ સ્પીડમાં નીકળી જતા તેનો પીછો કરતા લકીવાળી ચાડી પાસે બંધ હાલતમાં પડી હતી. જીજે 12 સીજી 1580 નંબરની કારમાંથી જુદી જુદીબ્રાન્ડની 239 બોટલ મળી આવતા વાહન કિ.રૂપીયા 5 લાખ અને દારૂ 239 બોટલ કિ.રૂા. 89,050 મળી કુલ 5,89,050નો મુદ્દામાલ કબ્જે કરી સ્કોર્પીયો ચાલક સામે માનકુવા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.શહેરના હોસ્પિટલ રોડ પર આવેલી એક શાળા પાસેથી દારૂનો જથ્થો ભરેલી કાર પકડાઇ હતી. કેમ્પ ચોકીના હદમાંથી એલસીબીએ દારૂ પકડવાની કામગીરી કરતા ચોકીના એએસઆઇ હિંમતસિંહ ચૌહાણને સસ્પેન્ડ કરાયા હતા. ફરજમાં બેદરકારી બદલ આઇજી સસ્પેન્ડ કરવામાં ઝડપી નિર્ણય લઇ રહ્યા છે. ત્યારે માનકુવા વિસ્તાર અને એ-ડિવિઝન પાસેથી જ પકડાયેલા દારૂના જથ્થા બાદ હવે કયા કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરાશે તેના પર સૌની મીટ મંડાઇ છે. મીઠી નજર રાખનારાને ભારે પડશે.શહેરના કેમ્પ વિસ્તારમાં રહેતા રામ ભટ્ટ પર શરાબના અનેક કેસો નોંધાયેલા છે. પોલીસ દેશી દારૂ અને મારામારીના કેસોમાં પાસાનો કાયદો ઉગામતી હોય છે ત્યારે વિદેશી શરાબનો જથ્થો છેલ્લા કેટલાક સમયથી વેંચાણ કરતા રામના પાસામાં પણ ધકેલાઇ ચુકયો છે. કયા પોલીસ કર્મચારીઓની મીઠી નજર તળે દારૂનો વેપલો બેફામ કરી રહ્યો છે ? તેવો વેધ સવાલ ખડો થયો છે. આઇજી તરીકે સુભાષ ત્રિવેદી આવ્યા બાદ દારૂ અને જુગાર પર તવાઇ બોલાવાનું શરૂ કરી દેવાયું છે ત્યારે આ રામ ભટ્ટ કયા ખાખીધારી કર્મચારીની મંજુરીથી બિન્દાસ્ત દારૂનો જથ્થો ભરેલી અલ્ટો કાર એ-ડિવિઝન પોલીસ મથકની 100 મીટર દુર જ ઓલ્ફ્રેડ હાઇસ્કુલ પાસે પાર્ક કર્યો હતો. તો બીજી તરફ આ દારૂનો જથ્થો આવ્યો કયાંથી તે અંગે રીમાન્ડમાં પુછપરછ કરાય તો અનેકના પગ નીચે રેલો આવે તેમ છે.કેમ્પ વિસ્તારમાં રહેતા રામ જે છેલ્લા કેટલાક સમયથી દારૂનો વેપલો કરી રહ્યો છે તેનો સગો ભાઇ દેશનો જવાન છે. આર્મીના જવાનનો સગો ભાઇ દારૂનો વેપલો કરી રહ્યો છે ત્યારે આ ‘રામ’ પર કયા પોલીસ કર્મચારી કે અધિકારીના ચાર હાથ છે તે પણ એક સવાલ છે .