કોમ્પ્યુટરયુગમાં ઓનલાઈન કામગીરી કરતી સરકારી એજન્સીઓ પૂરતી સાયબર સુરક્ષાના અભાવે હેકર્સનો ભોગ બને છે. દેશ વિદેશમાં મુકત વ્યાપાર ક્ષેત્રે જાણીતા એવા કંડલા સ્પેશ્યલ ઇકોનોમીઝોન (કાસેઝ)ની આઇડી હેક કરીને તેનો દુરુપયોગ કરવાના બનાવે ચકચાર સર્જી છે. આ અંગે કાસેઝના કર્મચારી અજિતસિંઘ અમરસિંઘ યાદવે લખાવેલી પોલીસ ફરિયાદ અનુસાર જુના કપડાંનું પ્રોસેસિંગ કરતી કંપની અફકાન ઈમ્પેક્ષ દ્વારા ગત તા/૩૦/૧૧ ના તેમણે કામ બંધ કર્યું હોવાની જાણ કરી હતી. પરંતુ, ઝોનની કચેરીને જાણવા મળ્યું હતું કે, બંધ કરાયેલા કંપનીની મંજૂરી છ મહિના માટે વધારી દેવાઈ હતી. કાસેઝના અધિકારીના બદલે કોઈ ભળતા વ્યકિતએ ઇન્દ્રદાસ સ્વામીના નામે ડિજિટલ સહી કરીને વેચાણ માટેના સેમ્પલો, બિલ ઓફ એન્ટ્રી, શિપિંગ બિલ સહિત અન્ય મંજૂરીઓ આપી દીધી હતી. આ રીતે ૧૭ વખત ગેરકાયદેસર રીતે ફેરફાર કરી કાસેઝની ઓનલાઈન સિસ્ટમના મોડેલનો દુરુપયોગ કરાયો હતો. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.