રાજય સરકારે કુપોષણ સામે જંગ છેડ્યો છે, ત્યારે ભારતીય સમાજમાં એક-બીજાની ચિંતા કરવાની આપણી પરંપરાઓ વણાયેલી છે, તેને આગળ વધારતાં સમાજના દરેક બાળકને સુપોષિત બનાવીએ, તેમ આજે રતનાલ ખાતે પોષણ અભિયાન-૨૦૨૦ કાર્યક્રમ ઉજવણીનો પ્રારંભ કરાવતાં રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું.આ પ્રસંગે સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે રાજયનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સુપોષિત ગુજરાતના સંકલ્પમાં સૌની સહિયારી જવાબદારી સમજીને આ મુહિમમાં વધુને વધુ લોકોને પાલક દાતા તરીકેના દાયિત્યમાં જોડાવા અપીલ કરી હતી અને અતિકુપોષિત બાળકોની જવાબદારી લેનારા પાલક વાલીઓને હ્રદયપૂર્વકનાં અભિનંદન આપ્યાં હતા. અંજારના પ્રાંત અધિકારી ડો. વી.કે.જોષી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યાં હતાં.રાજયમંત્રી સહિત તમામ ઉપસ્થિત લોકોએ કુપોષણ સામેનો જંગ જીતવા માટેના શપથ લીધાં હતાં તથા બાળકોને અન્નપ્રાશન વિધિ સાથે પોષણ અદાલત, પોષણ માટે અમુલ્ય ૧૦૦૦ દિવસ ‘વૃક્ષમાં બીજ તુ’ ફિલ્મનું નિદર્શન અને ઉપસ્થિત પાલક દાતાઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ ડાંગર, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ફુલાબેન, રતનાલ ગામના સરપંચ સરીયાબેન, તાલુકા વિકાસ અધિકારી એ.જી.દેસાઇ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. અંજારિયા, ડો.વર્મા સહિત કિસાન મોર્ચાના મહામંત્રી ગોપાલભાઈ માતા, મ્યાજરભાઈ, ત્રિકમભાઈ, રાણીબેન એનજીઓના પ્રવકતા કલ્પેશ મરંડ સહિત શિક્ષણ અને આરોગ્ય વિભાગના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.