વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘‘સહી પોષણ, દેશ રોશન’’ આહવાનને ચરિતાર્થ કરવા મુખ્યરમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ બાળકો, કિશોરીઓ અને માતાઓના પોષણ સ્તરમાં વધારો કરવા જન સમુદાય, સ્વૈચ્છીક સંસ્થાઓના સહયોગથી ગુજરાત પોષણ અભિયાન-૨૦૨૦-૨૨ શરૂ કરવામાં આવ્યું છે તેમ ડીસા તાલુકાના કુચાવાડા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાત વેર હાઉસીંગ કોર્પોરેશનના ચેરમેનશ્રી મગનલાલ માળીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ તા. ૨૩ જાન્યુઆરીનાં રોજ દાહોદથી પોષણ અભિયાનની શરૂઆત કરાવી છે અત્યારે સમગ્ર રાજયમાં સુપોષણ અંગે જાગૃતિ વધારવા કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ચેરમેનશ્રી મગનલાલ માળીએ જણાવ્યું કે, આપણા ગુજરાત રાજ્યની વિકાસશીલ તેમજ સુખી-સમૃધ્ધ રાજ્યમાં ગણના થાય છે. આપણા રાજયમાં કોઇપણ બાળક કુપોષિત રહી જાય તે ચલાવી લેવાય નહીં તેની ચિંતા કરી રાજય સરકારે આ અભિયાન હાથ ધર્યુ છે ત્યારે આપણે પણ ગામના આગેવાન તરીકે આ અભિયાનમાં જોડાઇ કુપોષણમુક્ત ગુજરાતની રચના કરીએ. તેમણે કહ્યું કે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સતત આપણા બાળકોની ચિંતા કરે છે ત્યારે માતા-પિતા તરીકે આપણે પણ બાળકની ચિંતા કરવી પડશે તો જ સુપોષિત સમાજની રચના કરી શકાશે. તેમણે કહ્યું કે, નંદઘરોમાં આંગણવાડી બહેનો અને તેડાગર બહેનો ખુબ સરસ કામગીરી કરી માતા યશોદા બની આપણા બાળકોનું લાલન-પાલન કરી તેમને ઉછેરવાની જવાબદારી સુપેરે સંભાળે છે જે ખુબ સરાહનીય છે. તેમણે બાળકોને દત્તક લેનાર પાલક માતા-પિતાને અભિનંદન પાઠવ્યા હતાં. આ પ્રસંગે ચેરમેનશ્રીના હસ્તે મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાકીય માહિતી દર્શાવતી પુસ્તીકા સહિયરનું વિમોચન કરવામાં આવ્યું હતું. જન્મથી ૬ માસ સુધી માતાનું ધાવણ ધાવનાર બાળકોને કઠોળનું પાણી પીવડાવી અન્નપ્રાશન વિધિ કરવામાં આવી હતી. પોષણ અદાલત વિષય પર શાળાના બાળકો દ્વારા સુંદર નાટક રજૂ કરવામાં આવ્યું હતું. બાળ તંદુરસ્ત હરીફાઇના વિજેતાઓને ઇનામ વિતરણ તથા પાલક માતા-પિતાઓનું પ્રમાણપત્ર આપી મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિ. પંચાયતના સભ્યઆશ્રી ર્ડા. રાજાભાઇ ચૌધરી, અગ્રણીશ્રી રમેશભાઇ, શ્રી બાબરાભાઇ,તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત અધિકારીઓ,પદાધિકારીઓ,અગ્રણીઓ, આંગણવાડી કાર્યકર બહેનો અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.